100 કરોડ રૂપિયામાં રાજ્યપાલ, મંત્રી બનાવવાનું કૌભાંડ, ચારની ધરપકડ
- સીબીઆઈએ પાંચ આરોપીઓ સામે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી- આરોપીઓ રાજ્યસભાના સાંસદ, મંત્રાલયોમાં ઉચ્ચ હોદ્દા, સરકારી સંગઠનોમાં ચેરમેન બનાવવાના નામે છેતરપિંડી કરતા હતાનવી દિલ્હી : ૧૦૦ કરોડ રૂપિયામાં રાજ્યપાલનું પદ, રાજ્યસભાની બેઠકો અને વિવિધ સરકારી વિભાગોના સંગઠનોમાં ચેરમેન બનાવી દેવાની લાલચ આપતા ચારની સીબીઆઈએ ધરપકડ કરી છે. કુલ પાંચ આરોપીઓ સામે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. એક આરોપી સીબીઆઈના અધિકારીઓ સાથે મારપીટ કરીને નાસી છૂટયો હતો.સીબીઆઈના અધિકારીઓએ એક વિચિત્ર છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પાંચ આરોપીઓ વિવિધ રાજ્યોમાં એક અલગ પ્રકારની છેતરપિંડી કરવાની ફિરાકમાં હતા. આ ગેંગ ખાસ પ્રકારના મહાત્વાકાંક્ષી લોકોને નિશાન બનાવતા હતા અને તેમને રાજ્યપાલ, રાજ્યસભાના સાંસદ, વિવિધ સરકારી સંગઠનોમાં ચેરમેન બનાવી દેવાની ખાતરી આપતા હતા અને બદલામાં વળતર લેતા હતા. મહારાષ્ટ્રના લાતુરમાં રહેતા કમલાકર પ્રેમકુમાર બાંદગર પોતે સીબીઆઈ અધિકારી હોવાની ઓળખ આપતો હતો. એને બહુ બધા ઉચ્ચ સરકારી અધિકારીઓ સાથે ગાઢ સબંધો છે એવો દેખાડો પણ કરતો હતો. તે ઉપરાંત કર્ણાટકનો રવીન્દ્ર વિઠ્ઠલ નાઈક, દિલ્હી-એનસીઆરનો મહેન્દ્ર પાલ અરોરા, અભિષેક બૂરા અને મોહમ્મદ એજાજ ખાન સંયુક્ત રીતે આ ગેંગ ચલાવતા હતા અને લોકોને છેતરવાની પેરવીમાં હતા.રાજ્યસભાની ટિકિટ, રાજ્યપાલનું પદ, વિવિધ સરકારી નિગમના ચેરમેન વગેરે બનાવતા ઉચ્ચ અધિકારીઓ સાથે ઘરોબો હોવાથી એ પદ આપવાનો દાવો કરીને આ ગેંગ માતબર રકમ મેળવવાની પેરવી કરતી હતી.સીબીઆઈએ આ મામલે ચારની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. સીબીઆઈએ પાંચેય આરોપીઓની તલાશી શરૂ કરી હતી, એ દરમિયાન એક આરોપી સીબીઆઈ સાથે મારપીટ કરીને નાસી છૂટયો હતો. એ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સીબીઆઈએ ચારેય આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.