મફત આપવામાં શ્રીલંકા ડૂબ્યું, ભારત પણ આ જ રાહે: સુપ્રિમની સરકારોને ટકોર,જ્વાબ માંગ્યો - At This Time

મફત આપવામાં શ્રીલંકા ડૂબ્યું, ભારત પણ આ જ રાહે: સુપ્રિમની સરકારોને ટકોર,જ્વાબ માંગ્યો


નવી દિલ્હી, તા. 26 જુલાઇ 2022, મંગળવાર શ્રીલંકા આઝાદી પછીની સૌથી ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. ત્યારે સુપ્રિમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ અશ્વની ઉપાધ્યાયે દલીલ કરતા કહ્યું હતુ કે, શ્રીલંકામાં દરેક વસ્તુ મફતમાં વહેંચવાને કારણે આવી સ્થિતિ આવી છે અને ભારત પણ તે જ રસ્તે જઈ રહ્યું છે. વરિષ્ઠ વકિલે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને માગણી કરી હતી કે, ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા આવા વચનો ન આપવા જોઈએ, જેમાં ચૂંટણી જીત્યા પછી જનતાને મફત સુવિધાઓ અથવા વસ્તુઓનું વિતરણ કરવાનું કહેવામાં આવે છે.ચીફ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું કે, આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. તે મતદારોને લાંચ આપવા જેવું છે. જ્યારે મુખ્ય ન્યાયાધીશે કેન્દ્ર સરકારના વકીલ કેએમ નટરાજ પાસેથી તેમનો અભિપ્રાય માંગ્યો તો તેમણે કહ્યું કે તે, ચૂંટણી પંચે નક્કી કરવાનું છે. આમાં કેન્દ્ર સરકારની કોઈ દખલગીરી નથી. પરંતુ જસ્ટિસ રમનાએ આના પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર પોતાને તેનાથી અલગ કરી શકે નહીં. ત્યારપછી કોર્ટે કેન્દ્ર સરકારને એફિડેવિટ દાખલ કરીને પોતાનો પક્ષ સાફ કરવાનું કહ્યું હતુ. જસ્ટિસ રમનાએ કોર્ટમાં હાજર રહેલા વકીલ અને ભૂતપૂર્વ મંત્રી કપિલ સિબ્બલને કહ્યું કે, તેઓ પણ પોતાના અનુભવથી આ મામલે પોતાનો અભિપ્રાય આપી શકે છે.સિબ્બલે કોર્ટને કહ્યું કે, આમાં કેન્દ્ર સરકારની ખાસ ભૂમિકા નથી. આ કામ નાણાપંચ દ્વારા જોવામાં આવે. સિબ્બલના મતે નાણાપંચ એક નિષ્પક્ષ એજન્સી છે જે, રાજ્યોને ફંડ આપે છે.આવી સ્થિતિમાં, રાજ્ય સરકારોને ભંડોળ આપતા પહેલા, નાણા પંચ કહી શકે છે કે તમને મફત સુવિધાઓ આપવા માટે ભંડોળ ફાળવવામાં આવશે નહીં.સિબ્બલે કહ્યું કે, તેને નિયંત્રિત કરવાની જવાબદારી સીધી સરકારો પર નાખવાથી કોઈ સમસ્યા ઉકેલાશે નહીં.આ મામલે CJIએ વધુ સુનાવણી માટે આગામી 3 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. કોર્ટે કહ્યું કે આ સમય દરમિયાન કેન્દ્ર સરકાર જણાવે કેસ નાણાપંચ આ બાબત પર શું કરી શકે છે? સુપ્રીમ કોર્ટે કપિલ સિબ્બલને પણ પૂછ્યું કે, તમારો શું અભિપ્રાય છે, સિબ્બલે કહ્યું કે, આ બહુ ગંભીર મુદ્દો છે અને ફાઇનાન્સ કમિશનરને પૂછવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નાણાપંચ પાસેથી એ જાણવા માટે કહ્યું કે, શું પહેલાથી જ દેવામાં ડૂબેલા રાજ્યમાં મફત યોજનાઓના અમલીકરણને રોકી શકાય છે કે નહી? આ બાબતે અરજીકર્તા અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે, દરેક રાજ્ય પર લાખોનું દેવું છે, યુપી પર 6 લાખ કરોડ રૂપિયાનું દેવું છે, પંજાબ પર 3 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને સમગ્ર દેશ પર 70 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આવી સ્થિતિમાં જો સરકાર મફતમાં સુવિધા આપે તો આ દેવું વધુ વધી જશે.અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે, શ્રીલંકામાં જે રીતે દેશની અર્થવ્યવસ્થા બગડી છે અને ભારત પણ તે જ રસ્તે ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું કે, કેન્દ્ર સરકારના જવાબ બાદ આ મામલે આગામી સપ્તાહે સુનાવણી થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.