પુણામાં ગોડાઉનની ડુપ્લીકેટ ચાવી બનાવી નોકરે બે ટેમ્પો ડ્રાઈવર પાસે રૂ.99 હજારની ટાઈલ્સ અને કેમિકલની ચોરી કરાવી - At This Time

પુણામાં ગોડાઉનની ડુપ્લીકેટ ચાવી બનાવી નોકરે બે ટેમ્પો ડ્રાઈવર પાસે રૂ.99 હજારની ટાઈલ્સ અને કેમિકલની ચોરી કરાવી


- મોટાભાગે સ્ટોક વધારે રહેતો હતો પણ ત્રણ મહિનાથી ઓછો થતા વેપારીએ સીસીટીવી કેમેરા ચેક કરતા કરતૂત બહાર આવી - ભાંડો ફૂટતા નોકરે મોબાઈલ ફોન બંધ કરી નોકરીએ આવવાનું બંધ કરી દીધું સુરત,તા.26 જુલાઈ 2022,મંગળવાર સુરતના પુણા વિસ્તારમાં ટાઇલ્સના વેપારીના ગોડાઉનની ડુપ્લીકેટ ચાવી બનાવી ગોડાઉન સંભાળતા નોકરે જ બે  ટેમ્પો ડ્રાઈવર પાસે રૂ.99 હજારની ટાઈલ્સ અને કેમિકલની ચોરી કરાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના સાવરકુંડલાના આદસંગ ગામના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા સ્વસ્તીક ટાવર ઘર નં.ઈ/702 માં રહેતા 43 વર્ષીય રાજેશભાઇ મનસુખભાઇ સાવલીયા પુણા ગામ નવું ફળીયુંથી સીતાનગર ચોકડી રોડ પર ગાળા નં.742 માં રાજ ટાઈલ્સના નામે ટાઇલ્સનો હોલસેલ વેપાર કરે છે. મોરબીથી આવતા માલને ગોડાઉનમાં ભરવાનું કામ નોકર રોશનલાલ કીશોરજી ખટીક ( ઉ.વ.45, રહે.એબી/57, સીતારામ સોસાયટી, અર્ચના સ્કુલની બાજુમાં, પુણાગામ, સુરત ) કરતો હોય તેની પાસે દિવસ દરમિયાન ગોડાઉનની ચાવી રહેતી હતી. ઓર્ડર આવે ત્યારે બે ટેમ્પો ડ્રાઇવર પ્રકાશ નારાયણભાઇ ખટીક ( ઉ.વ.28, રહે.ઘર નં.49, સીતારામ સોસાયટી, અર્ચના સ્કુલની બાજુમાં, પુણાગામ, સુરત ) અને છગન પુરણમલ ખટીક ( ઉ.વ.34, રહે.ઘર નં.બી/5, માનસરોવર સોસાયટી, આસપાસ મંદીરની પાસે, ગોડાદરા, સુરત ) ને રોશન માલ કાઢી આપતો અને બંને ડિલિવરી કરતા હતા.મોટાભાગે ગોડાઉનમાં સ્ટોક વધારે રહેતો હતો પણ ત્રણ મહિનાથી માલ ઓછો થતા રાજેશભાઈએ બે દિવસ અગાઉ સવારે 11 વાગ્યે ઓફિસમાં બેસીને ગોડાઉનના સીસીટીવી કેમેરા ચેક કરતા મળસ્કે 3.18 વાગ્યે તેમના બંને ડ્રાઈવર ત્યાં નજરે ચઢ્યા હતા. પછી તરત કેમેરો બંધ થઈ જતા રાજેશભાઈએ ડ્રાઈવર પ્રકાશને બોલવી પૂછતાં જાણવા મળ્યું હતું કે રોશનલાલે ગોડાઉનની ડુપ્લીકેટ ચાવી બનાવડાવી હતી અને બંને ડ્રાઈવર પાસે માલ કઢાવી ચોરી કરતો હતો.આ રીતે તેણે ગોડાઉનમાંથી રૂ.99 હજારની ટાઈલ્સ અને કેમિકલની ચોરી કરાવી હતી. રાજેશભાઈએ રોશનલાલને ફોન કર્યો તો તેનો મોબાઈલ ફોન બંધ હતો અને તે નોકરીએ પણ આવ્યો નહોતો. આથી આ અંગે રાજેશભાઈએ ગતરોજ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેયની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.