જામનગર શહેરમાં આવતીકાલે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા કારગિલ દિવસની કરાશે ઉજવણી
- જામનગર જિલ્લાના વતની ત્રણ વીર શહીદ જવાનોના પરિવારોની ઉપસ્થિતિમાં દેશના વીર શહીદોને અપાશે શ્રદ્ધાંજલિજામનગર તા.25 જુલાઈ 2022,સોમવારજામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાર્યરત એવા હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા આવતીકાલે કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટેનો એક કાર્યક્રમ વિશ્વકર્મા બાગ ગુર્જર સુથાર જ્ઞાતિની વાડીમાં સાંજે ૬.૦૦ વાગ્યે રાખવામાં આવ્યો છે. જેમાં જામનગર જિલ્લાના વતની એવા ત્રણ વીર શહીદ જવાનોના પરિવારજનોની ઉપસ્થિતિમાં તેમજ જામનગર શહેર જિલ્લાના અગ્રણીઓની હાજરીમાં દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, અને કારગિલ દિવસની ઉજવણી કરાશે. જામનગરના હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજાની રાહબરી હેઠળ આવતીકાલ તારીખ ૨૬.૭.૨૦૨૨ ના સાંજે છ વાગ્યે વિશ્વકર્મા બાગમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, અને જામનગર જિલ્લાના વતની એવા વીર શહિદ રમેશભાઈ જોગલ, વીર શહિદ અશોકસિંહ જાડેજા, તથા વીર શહીદ હરિલાલ મકવાણાના પરિવારજનોની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.આ શ્રદ્ધાંજલિ સમારોહમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડૉ. વિમલ કગથરા, નગરના મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ હસમુખ હિંડોચા અને ધી સિડઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ વેપારી એસોસિએશનના પ્રમુખ તેમજ શહેર ભાજપ અગ્રણી જીતુભાઈ લાલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે, અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. આ શ્રદ્ધાંજલિ સમારોહમાં સૌપ્રથમ માજી સૈનિક મંડળીના પરિવારની બાળા દ્વારા ગણેશજીની નૃત્ય સાથેની સ્તુતિ કરવામાં આવશે, ત્યારબાદ જામનગર જિલ્લાના વતની ત્રણ વીર શહીદ જવાનોના પરિવારોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે ત્યારબાદ માજી સૈનિક મંડળીના પરિવારના મહિલા સભ્ય દ્વારા દેશભક્તિના ગીતનું ગાયન કરાયા પછી અન્ય બે મહિલા સભ્યો દ્વારા અંગ્રેજી અને હિન્દીમાં કારગિલની લડાઈના ત્રણ મેથી ૨૬ જુલાઈ સુધીના સમયગાળા દરમિયાનની ભારતના વીર શહીદોની અમર ગાથા રજૂ કરાશે અને ૮૪ દિવસ ચાલેલા કારગિલ યુદ્ધ દરમિયાન તમામ પોસ્ટ જેવી કે મોસ્કો ઘાટી, ટાઈગર હિલ, બટાલી, દરાજ, કારગીલ ઝુંબેર, ચોરી પોસ્ટ, વગેરે ૧૨ જેટલી પોસ્ટ દુશ્મન દેશના સૈનિકો પાસેથી પાછી મેળવી લઇ વિજય ઉત્સવ મનાવ્યો હતો જે અંગેની વિશેષ માહિતી આપશે.ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું પણ સ્વાગત કરાશે. જામનગર જિલ્લામાં સૈનિક મંડળીના પ્રમુખ ભરતસિંહ જાડેજા દ્વારા કારગીલના શહીદો વિશે માહિતી આપવામાં આવશે, અને ત્યાર પછી ભારતના ઇન્ડિયા ગેટ પરના શહીદ જવાનોની પ્રતિકૃત સ્થાપિત કરી ઉપરાંત બે મશાલની જ્યોત જલાવવામાં આવશે. જ્યાં સર્વે મહાનુભાવોના હસ્તે મીણબત્તી પ્રગટાવીને દેશના તમામ વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી કારગિલ દિવસની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવશે. અને રાષ્ટ્રગીતનું ગાયન કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.