રોટી, કપડાં અને મકાન સસ્તા હોવા જોઈએ : આરએસએસ - At This Time

રોટી, કપડાં અને મકાન સસ્તા હોવા જોઈએ : આરએસએસ


નવી દિલ્હી, તા.૨૪દેશમાં ફુગાવા અને ખાવા-પીવાની વસ્તુઓના વધતા ભાવ અંગે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. લોકો ઈચ્છે છે કે રોટી, કપડાં અને મકાન સસ્તા હોય, કારણ કે તે જીવનજરૂરી વસ્તુઓ છે તેમ આરએસએસે કહ્યું હતું.  દેશમાં ઊંચા ફુગાવાના કારણે વધતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે લોટ અને દહીં જેવી જીવનજરૂરી વસ્તુઓ પર જીએસટી નાંખતા વિપક્ષે કેન્દ્ર સરકાર પર પસ્તાળ પાડી છે. એવા સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કેન્દ્ર સરકારને જીવનજરૂરી વસ્તુઓના ભાવ નીચા રાખવા પગલાં લેવાની સલાહ આપી છે.ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને ભારતીય એગ્રો ઈકોનોમિક રિસર્ચ સેન્ટરના સહયોગથી આરએસએસ સાથે સંકળાયેલા સંગઠન ભારતીય કિસાન સંઘ દ્વારા કૃષિ પર આયોજિત એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ જણાવ્યું હતું કે, ફુગાવો અને ખાદ્ય કિંમતો વચ્ચેના સંબંધ મુદ્દે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. જોકે, જીવનજરૂરી વસ્તુઓ બધા માટે સસ્તી કરતી વખતે તેનું નુકસાન ખેડૂતોને ન થવું જોઈએ તે બાબતની ખાતરી રાખવી જોઈએ.તેમણે ઉમેર્યું કે, એવું જોવા મળ્યું છે કે લોકો ઔદ્યોગિક ઉત્પાદનો માટે વધુ નાણાં ચૂકવવા તૈયાર છે, પરંતુ ખાદ્ય પદાર્થ માટે વધુ નાણાં ચૂકવવા તૈયાર નથી. આ બાબત દર્શાવે છે કે લોકો ભોજન, કપડાં અને મકાનને સસ્તા બનાવવા માગે છે, કારણ કે તે જીવવા માટે જરૂરી આવશ્યક્તાઓ છે. લોકોની આ જરૂરિયાતો પૂરી કરવામાં સહકારી સમિતિઓ મોટી ભૂમિકા ભજવી શકે છે.ભારતમાં કૃષિ ક્ષેત્રના વિકાસ અંગે તેમણે હોસબોલેએ કહ્યું કે, દેશના કૃષિને આત્મનિર્ભર બનાવવાનું શ્રેય અત્યાર સુધીની બધી સરકારોને જાય છે. છેલ્લા ૭૫ વર્ષમાં કૃષિમાં વિકાસ આપણા બધા માટે ગૌરવની બાબત છે. ભારત ખાદ્યાન્નની બાબતમાં વિદેશ પર નિર્ભરમાંથી હવે નિકાસકાર દેશ બની ગયો છે. ભારત માત્ર અનાજની બાબતમાં આત્મનિર્ભર નથી બન્યું, પરંતુ અન્ય દેશોને પણ અનાજ પૂરું પાડે છે. તેનું શ્રેય અત્યાર સુધીની બધી સરકારો, વૈજ્ઞાાનિકો અને ખેડૂતોને જાય છે.સંઘના સરકાર્યવાહે જણાવ્યું કે, સરકારે આગામી પેઢીને વ્યવસાય તરીકે ખેતી કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. કૃષિને આકર્ષક બનાવવા માટે એક એવા આંદોલનની જરૂર છે, જેનાથી ગામડાઓમાંથી શહેરોમાં થતું પલાયન રોકવામાં મદદ મળે. ગામડાઓમાંથી શહેરો તરફથની આંધળી દોટ દેશમાં કૃષિને ખતમ કરી નાંખશે અને તેની ભારતીય સંસ્કૃતિ પર વિપરિત અસર પડી શકે છે. છેલ્લી વસતી ગણતરી મુજબ દેશની બાવન ટકાથી વધુ વસતી શહેરોમાં રહે છે. આ સારો ટ્રેન્ડ નથી. સરકારે સ્કિલ ડેવલપમેન્ટ અને સારી પહેલો મારફત યુવા પેઢીને કૃષિ તરફ વાળવાની જરૂર છે. ખેડૂતો માટે કોઈ નિશ્ચિત આવક નથી અને તેમની આજીવિકા વરસાદ જેવા અનેક બાહ્ય પરિબળો પર નિર્ભર છે. તેમણે વધતા ખર્ચ જેવા પડકારોનો પણ સામનો કરવો પડે છે. આ કારણોથી જ સમાજમાં ખેડૂતો સામાજિક સ્થિતિમાં પાછળ પડી જાય છે. તેમણે ઉમેર્યું કે, ગ્રામીણ ઔદ્યોગીકરણ પર આપણે વધુ ધ્યાન આપવાની જરૂર છે, જે ગામોથી શહેરો તરફ અનિયોજિત પ્રવાસ રોકી શકે છે. પીવી નરસિંહા રાવ દ્વારા શરૂ કરાયેલ એનસીઆરઆઈ જેવી સંસ્થાઓને મજબૂત કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.