વડોદરા : આજવા સરોવરની સપાટીમાં ફરી વધારો - At This Time

વડોદરા : આજવા સરોવરની સપાટીમાં ફરી વધારો


- ચાર દિવસ સુધી સપાટી ઘટી, ત્યારબાદ વરસાદ થતાં સપાટી વધી - વિશ્વામિત્રીમાં પણ ઘટાડા બાદ લેવલ વધ્યુંવડોદરા,તા.25 જુલાઈ 2022,સોમવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઐતિહાસિક આજવા સરોવરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી પાણીની સપાટીમાં થઈ રહેલા ઘટાડા બાદ ગઈકાલથી ફરી તેમાં થોડો વધારો થયો છે ,એ જ પ્રમાણે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પણ ઘટાડા બાદ વધારો નોંધાયો છે. વડોદરા શહેર-જિલ્લા અને આજવા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ફરી વરસાદી વાતાવરણ જામ્યું છે. આજવામાં ગઈકાલે 24 કલાકમાં આશરે દોઢ ઇંચ જેટલું પાણી પડ્યું હતું, તેમ જ આજવાના ઉપરવાસ હાલોલમાં એક ઇંચ, ધન્સર વાવમાં સવા ઇંચ, પ્રતાપપુરામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. આજવા સરોવરમાં ગઈકાલે સપાટી ઘટીને 211.15 ફૂટ થઈ હતી, પરંતુ વરસાદ વરસતા સપાટી વધીને આજે 211.30 ફૂટ જોવા મળી હતી. આજવા સરોવરમાં પાણી લાવતી ફીડર હાલ ઝીરો લેવલ પર છે. જોકે જોડીયા અને ઉજેટી ફીડરનું પાણી વિશ્વામિત્રી નદી તરફ વહી રહ્યું છે. આજવા સરોવરના 62 દરવાજા પરથી 660 ક્યુસેક અને આજુબાજુના વિસ્તાર તથા નદીનાળામાંથી 935 ક્યુ સેક થઈ કુલ 1595 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં વહી રહ્યું છે. ગઈકાલે પણ વડોદરામાં આશરે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે તેમજ આજવા બાજુથી આવતા પાણીને લીધે નદીની સપાટી કે જે આશરે 7 ફૂટ આસપાસ પહોંચી ગઈ હતી તે આજે સવારે 10 ફૂટ નોંધાઈ હતી. આજવાના 62 દરવાજા સરકારના નિયમ મુજબ 15 ઓગસ્ટ સુધી 211 ફૂટના લેવલ ઉપર સ્થિર રાખવામાં આવ્યા છે, એટલે 211 ફૂટથી વધારાનું પાણી 62 દરવાજામાંથી નદીમાં વહી રહ્યું છે .આજ સવારથી વરસાદ બંધ છે. આજવા સરોવર વિસ્તારમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 695 મીમી થયો છે .આજવા સરોવરના ઉપરવાસ પ્રતાપપુરા સરોવરનું ભયજનક લેવલ 229.50 ફૂટછે, પરંતુ હાલમાં આ સરોવરમાં લેવલ ઝીરો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.