જામનગરના વામ્બે આવાસ વિસ્તારમાં એક યુવાન પર તલવારના બે ઘા ઝીંકી દઈ ખૂની હુમલો: ચાર સામે ફરિયાદ
- સ્થાનિક બે જૂથ વચ્ચે તકરાર પછી બહારગામ થી આવેલા યુવાનને સામા જૂથનો સભ્ય ગણી ને હુમલો કરી દીધોજામનગર તા.25 જુલાઈ 2022,સોમવારજામનગરના બોમ્બે આવાસ કોલોની વિસ્તારમાં બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં એક જૂથ દ્વારા બહારગામ થી આવેલા એક યુવાનને ભૂલથી સામા જૂથનો સભ્ય ગણીને તેના ઉપર તલવારના ઘા મારી ખૂની હુમલો કરી દીધો હતો. જે બનાવ અંગે પોલીસ હત્યા પ્રયાસ અંગેનો ગુનો નોધ્યો છે, અને હુમલાખોર ચારેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ હુમલા અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર ના વામ્બે આવાસ વિસ્તારમાં મયુર નગર મેઇન રોડ પર પોતાના પિતાના ઘેર આંટો દેવા માટે આવેલો મૂળ પોસીત્રાનો વતની નાગજીભાઈ કાળુભાઈ જગડીયા નામનો ૨૮ વર્ષનો હિંદુ વાઘેર યુવાન કે જે ગત ૧૭ મીના રાત્રે પોતાના પિતાના ઘેર આવ્યા પછી મકાનના દરવાજા પાસે ઊભો હતો.દરમિયાન તલવાર જેવા હથિયારો સાથે ચાર શખ્સો ધસી આવ્યા હતા, અને કાંઈ પણ વિચારે તે પહેલાં તેના માથા પર તલવારના બે જીવલેણ ઊંડા ધા ઝીંકી દીધા હતા, અને ચારેય ભાગી છૂટ્યા હતા. આ બનાવ પછી નાગજીભાઈ લોહી લુહાણ થઈને ઢળી પડ્યો હતો, અને તેના પરિવારના સૌ પ્રથમ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં તેની તબિયત લથડવાથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તાત્કાલિક અસરથી તેના માથા પર બે ઓપરેશન કરવામાં આવ્યા હતા, અને ૪૬ થી વધુ ટાંકા આવ્યા છે. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવાન નાગજીભાઈ કાળુભાઈ જગડીયાએ પોતાના ઉપર ખૂની હુમલો કરવા અંગે સ્થાનિક વિસ્તારમાં રહેતા યાસીન સુમરા, અમનભાઈ સુમરા, સદામ સુમરા, અને ટીટો નામના ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને સીટીસી. ડિવિઝન પોલીસે આઈપીસી કલમ ૩૦૭,૩૨૩,૪૨૭,૧૧૪ અને જી.પી.એકટ.કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધ્યો છે. અને ફરાર થઈ ગયેલા ચાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર આરોપી યાસીન સુમરાને ૧૭મી તારીખે રાત્રિના સમયે વામ્બે આવાસ વિસ્તારમાં રહેતા એક શખ્સ સાથે ઝઘડો થયો હતો, અને બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ યાસીન પોતાના અન્ય સાગ્રીતોને લઈને ફરીથી આવ્યો હતો, પરંતુ તે સમયે ઝગડો કરનાર શખ્સ ત્યાંથી ભાગી છુટ્યો હતો, જ્યારે નાગજીભાઈ કે જે પોષિત્રા થી આવીને પોતાના ઘર પાસે ઉભો હતો, દરમિયાન યાસીને તેને નાસી ગયેલા શખ્સનો સાગ્રીત સમજીને શિકાર બનાવી લીધો હતો, અને ખૂની હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.