ભાંગ-ગાંજાનું સેવન કરનારાઓ રેપ, મર્ડર, લૂંટ જેવા ગુના નથી કરતાઃ BJP નેતા - At This Time

ભાંગ-ગાંજાનું સેવન કરનારાઓ રેપ, મર્ડર, લૂંટ જેવા ગુના નથી કરતાઃ BJP નેતા


- કૃષ્ણમૂર્તિના કહેવા પ્રમાણે આ તેમનો અંગત મત છે કે, રેપ, મર્ડર અને ઝગડાઓ પાછળનું મુખ્ય કારણ આલ્કોહોલ છેનવી દિલ્હી, તા. 25 જુલાઈ 2022, સોમવારભાજપના એક નેતાએ લોકોને દારૂના વિકલ્પ તરીકે ભાંગ અને ગાંજાનો પ્રયોગ કરવાની સલાહ આપી છે. આટલેથી ન અટકતાં તેમણે એવો દાવો કર્યો હતો કે, ભાંગ અને ગાંજાનું સેવન કરનારાઓ કદી રેપ, મર્ડર અને લૂંટ જેવા ગુનાઓ નથી કરતા. છત્તીસગઢના ભાજપના ધારાસભ્ય કૃષ્ણમૂર્તિ બાંધીના નિવેદન મામલે હોબાળો મચ્યો છે. કોંગ્રેસે આ મામલે ભાજપ પર નિશાન સાધીને એવો સવાલ કર્યો હતો કે, એક જનપ્રતિનિધિ કઈ રીતે લોકોને નશો કરવાનું સૂચન આપી શકે? મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું હતું કે, જો ધારાસભ્ય ઈચ્છે છે કે, દેશમાં ગાંજો કાયદેસર કરી દેવામાં આવે તો આ માગણી તેમણે પોતાની પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સમક્ષ રાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, દેશમાં એનડીપીએસ એક્ટની જોગવાઈઓ અંતર્ગત ગાંજાનું વેચાણ પ્રતિબંધિત છે. જોકે ગાંજાના છોડના પાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી ભાંગના વેચાણ પર કોઈ કાયદાકીય પ્રતિબંધ નથી. કોંગ્રેસના છત્તીસગઢમાં દારૂ પર પ્રતિબંધ અંગેના વચન મામલે કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે, તેમણે અગાઉ પણ સદનમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. ઉપરાંત તેઓ 27મી જુલાઈએ સરકાર સામે અવિશ્વાસના પ્રસ્તાવ દરમિયાન ફરી એક વખત આ મુદ્દો ઉઠાવશે. કૃષ્ણમૂર્તિના કહેવા પ્રમાણે આ તેમનો અંગત મત છે કે, રેપ, મર્ડર અને ઝગડાઓ પાછળનું મુખ્ય કારણ આલ્કોહોલ છે. આ સાથે જ તેમણે એવો સવાલ કર્યો હતો કે, શું કદી ભાંગનો ઉપયોગ કરનારાઓએ બળાત્કાર, હત્યા અને લૂંટ કરી છે?ભાજપના ધારાસભ્યએ જણાવ્યું કે, દારૂ પર પ્રતિબંધ મુકવા અંગે વિચાર કરવા એક કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીએ વિચારવું જોઈએ કે, કઈ રીતે આપણે ભાંગ અને ગાંજા તરફ વળી શકીએ. હું અંગતપણે એમ માનું છું કે, જો લોકો એમ ઈચ્છે છે તો તેમને એ વસ્તુઓ મળવી જોઈએ જેથી હત્યા, બળાત્કાર અને અન્ય ગુનાઓ ન થાય. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.