વડોદરા: B.O.B.માંડવી બ્રાન્ચના લોકર રૂમમાં પાણી ભરાયા : લોકર ધારકો ચિંતામાં - At This Time

વડોદરા: B.O.B.માંડવી બ્રાન્ચના લોકર રૂમમાં પાણી ભરાયા : લોકર ધારકો ચિંતામાં


વડોદરા,તા.25 જુલાઈ 2022,સોમવારવડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલી bank of baroda ની મુખ્ય બ્રાન્ચના બેઝમેન્ટમાં બનાવેલા લોકર રૂમમાં પાણી ભરાઈ ગયા છે જેથી લોકર ધારકોમાં ચિંતાનો વિષય બન્યો હતો. વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ભૂતકાળમાં ક્યારે પણ વરસાદી પાણી ભરાતા ન હતા પરંતુ છેલ્લા પાંચ સાત વર્ષથી એક ઇંચ વરસાદ પણ પડે તો તુંરત જ ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે. જેને કારણે વાહનચાલકો દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. ગઈકાલે વડોદરા શહેરમાં મોડી રાત સુધી ભારે વરસાદ ચાલુ રહ્યો હતો દરમ્યાનમાં ચાર દરવાજા વિસ્તારમાં તો પાણી ભરાઈ ગયા હતા પરંતુ આજે સવારે bank of baroda ની માંડવી બ્રાન્ચ ખોલવામાં આવી અને તપાસ કરતા બેઝમેન્ટમાં બનાવેલા લોકર રૂમમાં પાણી ભરાઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું જેથી બેંકના સત્તાવાળાઓએ પાણી ઉલેચવાની કામગીરી શરૂ કરી હતી દરમિયાનમાં ગ્રાહકોને પણ જાણ થતા તેઓ પોતાની લોકરમાં મૂકેલી વસ્તુઓ સલામત છે કે નહીં તે જોવા માટે દોડી આવ્યા હતા. ચાર દરવાજા વિસ્તારના વેપારી ફારુકભાઈ સોનીએ જણાવ્યું હતું કે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ક્યારેય પણ પાણી કે ડ્રેનેજનો પ્રશ્ન ઉપસ્થિત થતો ન હતો પરંતુ કોર્પોરેશનના અણગઢ વહીવટને કારણે હવે છેલ્લા પાંચ થી છ વર્ષથી ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે અને તેનો ભોગ વાહન ચાલકો અને વેપારીઓને બનવું પડતું હોય છે એટલું જ નહીં આ વિસ્તારમાં ડ્રેનેજ ઉઘરાવવાનો હતો પ્રશ્ન કાયમી બની ગયો છે.  તેમણે ઉમેર્યું હતું કે ગઈકાલે માત્ર એક કે બે ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે bank of baroda માં લોકર રૂમમાં પણ પાણી ભરાઈ ગયા છે તેની જાણ અમને થતા લોકરમાં મૂકેલી ચીજ વસ્તુઓ સહી સલામત છે કે નહીં તે જોવા માટે અમે પહોંચી ગયા હતા બેંકમાં પણ જો પાણી આ રીતે ભરાઈ જતા હોય તો લોકોની તો પરિસ્થિતિ શું થતી હશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.