મોંઘવારીથી વધુ ૭ કરોડ લોકો ગરીબ બનશે, ૨૦૨૩નું વર્ષ વધુ ખરાબ : આઈએમએફ - At This Time

મોંઘવારીથી વધુ ૭ કરોડ લોકો ગરીબ બનશે, ૨૦૨૩નું વર્ષ વધુ ખરાબ : આઈએમએફ


નવી દિલ્હી, તા.૨૧દુનિયાભરમાં મોંઘવારી અત્યંત ઊંચા દરે છે ત્યારે આગામી વર્ષે ૨૦૨૩માં પરિસ્થિતિ વધુ કથળી શકે છે. મોંઘવારીના કારણે વધુ સાત કરોડ લોકો ગરીબીમાં ધકેલાઈ શકે છે તેમ આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ (આઈએમએફ)નાં વડાં ક્રિસ્ટિલીના જ્યોર્જિએવાએ જણાવ્યું હતું. આવા સમયે સરકારે તાજેતરમાં લોકસભામાં જણાવ્યું કે, ૨૦૧૧-૧૨ના રિપોર્ટ મુજબ દેશમાં ૨૭ કરોડ લોકો ગરીબ છે.આઈએમએફનાં વડાં ક્રિસ્ટિલીના જ્યોર્જિએવાએ તેમના બ્લોગમાં કહ્યું છે કે મોંઘવારીના ઊંચા દરથી હાલ છૂટકારો મળવાની કોઈ શક્યતા નથી અને તેના કારણે દુનિયાના ગરીબ દેશોમાં વધુ સાત કરોડ લોકો અત્યંત ગરીબીની ઝપેટમાં આવી જશે. વધતી મોંઘવારી અને ભારતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે કેટલાક દેશો દ્વારા ખાદ્યાન્ન પર પ્રતિબંધ મૂકવાને કારણે ખાવા-પીવાની સમસ્યા વધશે. મોટાભાગના ગરીબ દેશ પાંચ ટકાથી વધુના મોંઘવારી દરનો સામનો કરી રહ્યા છે. આગામી સમયમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. તેનાથી અનેક દેશોમાં સમાજના સ્તરે અસ્થિરતાનું જોખમ સર્જાયું છે.દરમિયાન દેશમાં અંદાજે ૨૭ કરોડ લોકો એટલે કે કુલ વસતીના ૨૨ ટકા લોકો ગરીબ છે તેમ કેન્દ્ર સરકારે તાજેતરમાં લોકસભામાં જણાવ્યું હતું. જોકે, કોરોના મહામારી અને આર્થિક કટોકટીના કારણે દેશમાં ગરીબોની વાસ્તવિક સંખ્યા ઘણી વધુ હોવાની આશંકા છે. કારણ કે કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલા આંકડા ૨૦૧૧-૧૨ના છે. ત્યાર પછી ગરીબી રેખા નીચે જીવતા લોકોની ગણતરી જ નથી કરાઈ તેમ તાજેતરમાં ગ્રામીણ વિકાસ મંત્રીએ લોકસભામાં જણાવ્યું હતું. સરકારી આંકડા મુજબ દેશમાં છત્તીસગઢમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકોનો દર સૌથી વધુ છે. ત્યાં ૪૦% લોકો ગરીબી રેખા નીચે જીવે છે. આ સિવાય ઝારખંડ, મણિપુર, અરૂણાચલ, બિહાર, ઓડીશા, આસામ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ૩૦% ટકાથી વધુ વસ્તી ગરીબીની રેખા નીચે જીવે છે. ગુજરાતમાં ૧૭ ટકા લોકો ગરીબી રેખા નીચે જીવે છે. એટલે કે આ રાજ્યોમાં પ્રત્યેક ૧૦માંથી ૩ વ્યક્તિ ગરીબીની રેખા નીચે છે.ગરીબી રેખા નીચે જીવતા લોકોની સરકારી પરિભાષા મુજબ ગામડામાં માસિક રૂ. ૮૧૬થી વધુ અને શહેરોમાં રૂ. ૧,૦૦૦થી વધુનો ખર્ચ કરી શકે તેને ગરીબ કહી શકાય નહીં. ૨૦૧૧-૧૨માં તેંડુલકર સમિતિની ફોર્મ્યુલા મુજબ આ આંકડા તૈયાર કરાયા હતા. તે સમયે યુપીએ સરકારે આ આંકડા લોકસભામાં રજૂ કરતાં ભારે હોબાળો મચી ગયો હતો. ત્યાર પછી સરકારે રંગરાજન સમિતિની રચના કરી હતી. આ સમિતિના રિપોર્ટ મુજબ ગામડામાં માસિક રૂ. ૯૭૨ અને શહેરમાં ૧૪૦૭ રૂપિયાથી ઓછો ખર્ચ કરી શકતી વ્યક્તિને ગરીબ ગણી શકાય. જોકે, સરકારે હજુ સુધી આ રિપોર્ટ સ્વીકાર્યો નથી.દેશમાં આઝાદી પછી ૧૯૫૬માં પહેલી વખત બીએસ મિન્હાસ પંચે આયોજન પંચને ગરીબી રેખા અંગે રિપોર્ટ સોંપ્યો હતો. તે સમયે દેશમાં ૨૧.૫ કરોડ લોકો ગરીબી રેખા નીચે હતા. ૧૯૭૩-૭૪માં ૫૫ ટકા, ૧૯૮૩માં ૪૫ ટકા, ૧૯૯૯-૨૦૦૦માં ૨૬ ટકા લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા.જોકે, ગ્રામીણ વિકાસ મંત્રાલયના દસ્તાવેજ મુજબ આઝાદી પહેલાંથી દેશમાં ગરીબી રેખા નીચે જીવતા લોકો અંગે રિપોર્ટ બનતો હતો. આઝાદી પહેલાં ત્રણ વખત ગરીબી રેખાની વ્યાખ્યા બદલાઈ હતી. ૧૯૦૧માં ગરીબી રેખાની વ્યાખ્યા મુજબ ખાવા-પીવા પાછળ વાર્ષિક ૧૬થી ૩૫ રૂપિયાનો ખર્ચ કરી શકતી વ્યક્તિ ગરીબી રેખાથી ઉપર હતી. ત્યાર પછી ૧૯૩૮માં જવાહર લાલ નહેરુના અધ્યક્ષપદે સમિતિના રિપોર્ટ મુજબ માસિક ૧૫થી ૨૦ રૂપિયા ખર્ચ કરનાર વ્યક્તિને ગરીબી રેખા નીચે માનવામાં નહીં આવે. ૧૯૪૪માં બોમ્બે પ્લાનના સૂચન મુજબ વાર્ષિક ૭૫ રૂપિયાનો ખર્ચ કરતી વ્યક્તિને ગરીબ માનવામાં નહીં આવે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.