બિહારના આઠ જિલ્લામાં તંગદિલી સર્જવાનું આઈએસઆઈએસનું કાવતરું
મુઝફ્ફરપુર, તા.૨૨બિહારના આઠ જિલ્લામાં રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાના સમર્થનમાં ઊજવણી કરતા આઈએસઆઈએસના આતંકીઓનો એક વીડિયો સૌથી વધુ સર્ચ થઈ રહ્યો છે. આ સંદર્ભમાં જિલ્લા અધિકારીઓને એલર્ટ કર્યા છે. બીજીબાજુ ભાજપના સસ્પેન્ડેડ મહિલા પ્રવક્તા નુપુર શર્માની હત્યાની એક પાકિસ્તાની સંગઠને યોજના બનાવી હોવાનું રાજસ્થાન પોલીસે જણાવ્યું હતું.બિહારના આઠ જિલ્લામાં કોમી તંગદિલી ઊભી કરવાનું આઈએસઆઈએસે કાવતરું ઘડયું છે. આ જિલ્લાઓમાં રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાના સમર્થનમાં આઈએસઆઈએસના આતંકીઓ દ્વારા ઊજવણીનો વીડિયો સૌથી વધુ સર્ચ થઈ રહ્યો છે. આ જિલ્લાઓમાં મુઝફ્ફરપુર, દરભંગા, સીતામઢી, કિશનગંજનો સમાવેશ થાય છે. અધિકારીઓને જિલ્લામાં સોશિયલ મીડિયા પર નિરીક્ષણ રાખવા અને જરૂરી માહિતી એકત્ર કરવાના નિર્દેશ અપાયા છે. આતંકી સંગઠન આઈએસઆઈએસ દ્વારા કનૈયાલાલની હત્યાની ઊજવણી કરતો વીડિયો વાઈરલ કરાયો છે.ગુપ્તચર વિભાગના સૂત્રો મુજબ આઈએસઆઈએસના આતંકીઓની આ ઊજવણીમાં અન્ય આતંકી સંગઠનના આતંકીઓ પણ જોડાયા હતા. આ પ્રકારના વીડિયોથી બિહારમાં તંગદિલી ઊભી કરવા માટે સુનિયોજિત કાવતરું ઘડાઈ રહ્યું છે. જોકે, ગુપ્તચર વિભાગના અધિકારીઓને આવા વીડિયો શૅર કરનારા અને તેના પર ટીપ્પણી કરનારા વિવિધ ગૂ્રપ્સના લોકો પર નજર રાખવાના નિર્દેશ અપાયા છે.દરમિયાન પાકિસ્તાની સંગઠન તહરીક-એ-લબ્બૈકે ભાજપનાં હાંકી કઢાયેલા પ્રવક્તા નુપુર શર્માની હત્યાનું કાવતરું ઘડયું છે તેમ રાજસ્થાન પોલીસે જણાવ્યું હતું. પોલીસે કહ્યું કે, પાકિસ્તાનથી સરહદ પાર કરીને ભારત આવેલા પાકિસ્તાની નાગરિક રિઝવાનની પૂછપરછમાંથી આ માહિતી મળી હતી. રિઝવાન તહરીક-એ-લબ્બેકથી પ્રભાવિત હતો. રિઝવાનની રાજસ્થાનના શ્રીગંગાનગરમાંથી ધરપકડ કરાઈ હતી. હાલ આઈબી, સીઆઈડી, બીએસએફ, ભારતીય સૈન્ય અને સ્થાનિક પોલીસ સહિત અનેક એજન્સીઓ પૂછપરછ કરી રહી છે. તહરીક-એ-લબ્બૈક એ જ સંગઠન છે, જેણે પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારને ઘેરવાનું કામ કર્યું હતું અને ઈશનિંદાના આરોપો હેઠળ અનેક લોકોની હત્યા કરી હતી. બીએસએફના એક વરિષ્ઠ અદિકારીએ કહ્યું કે, એક વ્યક્તિની ૧૬મી જુલાઈએ હિંદુમલકોટ સરહદ ચોકી પાસે ધરપકડ કરાઈ હતી. પેટ્રોલિંગ ટીમને તે શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. તેની ઓળખ પાકિસ્તાનના ઉત્તરી પંજાબમાં મંડી બહઉદ્દીન શહેરના રહેવાસી રિઝવાન અશરફ તરીકે થઈ હતી. તેણે કહ્યું કે તે નુપુર શર્માને મારવા આવ્યો હતો. તેને મારતા પહેલાં તેણે અજમેર દરગાહ જવાની યોજના બનાવી હતી. રિઝવાનને સ્થાનિક પોલીસને સોંપી દેવાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.