યુઆઈડીએઆઈએ છ લાખ લોકોના નકલી આધાર કાર્ડ રદ કરી નાંખ્યા - At This Time

યુઆઈડીએઆઈએ છ લાખ લોકોના નકલી આધાર કાર્ડ રદ કરી નાંખ્યા


નવી દિલ્હી, તા.૨૨ભારતમાં આધાર કાર્ડ દરેક નાગરિક માટે જરૂરી દસ્તાવેજ છે. કોઈપણ પ્રકારની સરકારી સુવિધાઓનો લાભ મેળવવા અથવા કોઈપણ સરકારી દસ્તાવેજ બનાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે. જોકે, આજકાલ નકલી આધાર કાર્ડ બનતા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. આ અહેવાલોના પગલે યુઆઈડીએઆઈએ ૬ લાખ લોકોના નકલી આધાર કાર્ડની ઓળખ કરી તેને રદ કરી નાંખ્યા છે.એક અહેવાલ મુજબ ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયના રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં ડુપ્લિકેટ આધાર કાર્ડ રદ કરાયા હોવા અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, યુઆઈડીએઆઈએ દ્વારા નકલી આધાર કાર્ડની સમસ્યાનો ઉકેલ લાવવા માટે અનેક પગલાં ભર્યા છે. આધાર કાર્ડમાં હવે એક વધારાની ખરાઈનું ફિચર પણ ઉમેરવામાં આવ્યું છે, જેમાં ચહેરાનો આધાર વેરિફિકેશન માટે ઉપયોગ કરવામાં આવશે. અત્યાર સુધી માત્ર ફિંગરપ્રિન્ટ અને આઈરિસની મદદથી આધાર વેરિફિકેશન થતું હતું.આધાર સંબંધિત સેવાઓ આપતી ગેરકાયદે વેબસાઈટ્સના અન્ય એક પ્રશ્નનો જવાબ આપતા ચંદ્રશેખરે કહ્યું કે યુઆઈડીએઆઈએ આ વેબસાઈટ્સને નોટિસ મોકલી દીધી છે. સંબંધિત વેબસાઈટ્સના માલિકોને કોઈપણ પ્રકારે આ ગેરકાયદે સેવાઓ પૂરી પાડતા રોકવા જણાવાયું છે અને આ સેવા પૂરી પાડનારાઓને તાત્કાલિક અસરથી આ વેબસાઈટ્સને બ્લોક કરવા માટે હોસ્ટને પણ નોટિસ અપાઈ છે.જાન્યુઆરી ૨૦૨૨થી અત્યાર સુધીમાં ૧૧ વેબસાઈટ્સને આધાર સંબંધિત સેવાઓ પૂરી પાડતા અટકાવાઈ છે. આ વેબસાઈટ્સ પાસે લોકોની અરજીઓ લેવા અને બાયોમેટ્રિક માહિતીમાં સુધારો કરવા અથવા વર્તમાન આધારમાં રહેવાસીના મોબાઈલ નંબરને ઉમેરવાના અધિકાર નહોતા. મોબાઈલ નંબરને અપડેટ કરવાથી લઈને સરનામું અને ફોટોગ્રાફ સુધી બધી જ વિગતો અપડેટ કરવા માટે યુઝર્સે યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઈટની સાથે સત્તાવાર આધાર સ્ટોર પર જ જવું જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.