દેશમાં હજુ ચાર કરોડ લોકોએ રસીનો એક પણ ડોઝ નથી લીધો : કેન્દ્ર સરકાર
નવી દિલ્હી, તા.૨૨ભારતમાં શુક્રવારે કોરોના મહામારીના દૈનિક કેસ વધીને ૨૧,૮૮૦ થઈ ગયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ ૪.૩૮ કરોડને પાર થઈ ગયા છે જ્યારે એક્ટિવ કેસ વધીને ૧,૪૯,૪૮૨ થયા છે. દેશમાં ફરી એક વખત કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે હજુ ચાર કરોડ લોકો એવા છે, જેમણે લાયક હોવા છતાં કોરોનાથી બચવા રસીનો એક પણ ડોઝ લીધો નથી તેમ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું.રાજ્ય કક્ષાના સ્વાસ્થ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે લોકસભામાં શુક્રવારે જણાવ્યું હતું કે, દેશમાં અંદાજે ચાર કરોડ લોકોએ રસી લેવા માટે લાયક હોવા છતાં રસીનો એક પણ ડોઝ લીધો નથી. દેશમાં ૧૮મી જુલાઈ સુધીમાં સરકારના મફત કોરોના રસીકરણ અભિયાન હેઠળ સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો (સીવીસી)માં રસીના કુલ ૧,૭૮,૩૮,૫૨,૫૬૬ ડોઝ અપાયા છે. તેમણે ઉમેર્યું હતું કે, આ વર્ષે ૧૬મી માર્ચથી હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ વયના બધા જ લોકોને મફતમાં પ્રીકોશન ડોઝ અપાયા છે. એ જ રીતે ૧૦મી એપ્રિલથી ખાનગી સીવીસીમાં ૧૮થી ૫૯ વર્ષની વય જૂથના લોકોને પ્રીકોશન ડોઝ અપાઈ રહ્યા છે. વધુમાં ૧૫મી જુલાઈથી ૧૮ વર્ષથી વધુ વયના લોકોને સરકારી રસીકરણ કેન્દ્રોમાં પ્રીકોશન ડોઝ આપવા માટે ૭૫ દિવસનું વિશેષ અભિયાન શરૂ કરાયું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ મુજબ દેશમાં ૯૮ ટકા પુખ્ત વયના લોકોએ કોરોના વિરોધી રસીનો એક ડોઝ જ્યારે ૯૦ ટકા લોકોએ બંને ડોઝ લઈ લીધા છે. દેશમાં ૧૨ વર્ષથી વધુ વયના લાભાર્થીઓને કોરોના વિરોધી રસીના કુલ ૨૦૦.૩૪ કરોડ ડોઝ અપાયા છે.દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં શુક્રવારે કોરોનાના કેસ વધીને ૨૧,૮૮૦ થયા હતા, જેને પગલે કુલ કેસની સંખ્યા ૪,૩૮,૪૭,૦૬૫ થઈ છે. ઉપરાંત વધુ ૬૦નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૫,૨૫,૯૩૦ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૬૦૧નો વધારો થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૪.૪૨ ટકા જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૪.૫૧ ટકા નોંધાયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૪,૩૧,૭૧,૬૫૩ થઈ છે. દરમિયાન ભારતે સરકારી ગ્રાન્ટ, વ્યાવસાયિક નિકાસ અથવા કોવિડ-૧૯ વેક્સિન ગ્લોબલ એક્સેસ (કોવેક્સ) મારફત ૧૦૧ દેશો અને સંયુક્ત રાષ્ટ્રના એકમોને કોરોનાની રસીના ૨૩.૯ કરોડ ડોઝ પૂરા પાડયા છે તેમ સરકારે લોકસભામાં શુક્રવારે જણાવ્યું હતું. રાજ્યકક્ષાના સ્વાસ્થ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે કહ્યું કે, હાલ દેશમાં રસીકરણ કાર્યક્રમ હેઠળ કોવિશિલ્ડ, કોવોવેક્સ, કોવેક્સિન, સ્પુટનિક-૫ અને કોર્બેવેક્સ સહિત કુલ પાંચ રસી અપાઈ રહી છે. બધા જ રાજ્યોમાં લાયક લાભાર્થીઓ માટે રસીના પર્યાપ્ત ડોઝ ઉપલબ્ધ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.