જામનગર શહેરમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસના મુદ્દે ખૂદ મ્યુનિ. કમિશનર અને એસ.પી. મેદાનમાં ઊતર્યા
- શહેરના અનેક વિસ્તારમાં પોલીસ અને મનપાની ટીમ સાથેની મુલાકાત લઈ ઢોર માલિકોને ચેતવણી અપાઇ- બર્ધન ચોક વિસ્તારમાં જાહેર માર્ગ પર અડિંગો જમાવીને પડ્યા રહેતા પથારાવાળાઓને પણ સ્થળ પરથી દૂર કરાયાજામનગર તા 21 જુલાઈ 2022,ગુરૂવારજામનગર શહેરમાં રસ્તે રઝળતા ઢોરની સમસ્યા, અને જાહેર માર્ગ ઉપર અડિંગો જમાવીને પડ્યા રહેતા પથારાવાળાઓ સામે એક્શન લેવાના ભાગરૂપે આજે મહાનગરપાલિકાના કમિશનર તથા જિલ્લાના એસ.પી. ખુદ મેદાને ઉતર્યા હતા, અને પોલીસ તથા મનપાની ટીમને સાથે રાખીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં નિરીક્ષણ કર્યું હતું, અને ઢોર માલિકોને કડક સૂચના અપાઇ છે, જ્યારે રસ્તો બ્લોક કરીને પડ્યા પાથર્યા રહેતા અનેક પથારાવાળાઓને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, ત્યારે ભારે નાશભાગ મચી ગઈ હતી. જામનગર શહેરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, અને હજુ પણ ઢોરની સમસ્યા યથાવત રહી છે. ઉપરાંત શહેરના બર્ધન ચોક સહિતના મુખ્ય વિસ્તારોમાં પથારાવાળાઓ જાહેર માર્ગો પર દબાણ કરીને વાહન વ્યવહારમાં અવરોધ પેદા કરે છે, તેવી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આજે જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી, તેમજ જામનગરના એસ.પી.પ્રેમસુખ ડેલુ ખુદ મેદાને ઉતર્યા હતા, અને અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી હતી.જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી ટીમને સાથે રાખવામાં આવી હતી, ઉપરાંત સીટી એ. ડિવિઝન, એલસીબી સહિતની પોલીસ ટુકડીને પણ જોડવામાં આવી હતી, અને અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ, જ્યાં ઢોરનો જમાવડો થતો રહે છે, તે વિસ્તારમાં પહોંચી જઈ સ્થાનિક ઢોરના માલિકોને કડક સુચના આપવામાં આવી છે. તેઓના ઢોર ફરીથી રસ્તા પર જોવા મળશે, તો ઢોરને પકડી ગઈ ઢોરના ડબ્બામાં પૂરી દેવામાં આવશે. એટલું જ માત્ર નહીં ઢોર માલિકો સામે પણ તાત્કાલિક અસરથી એફ.આઇ.આર.દાખલ કરવામાં આવશે, તેવી કડક ચેતવણી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત જામનગરના રણજિત રોડ, બર્ધનચોક જેવા વિસ્તારમાં જાહેર માર્ગ પર અડિંગો જમાવીને પડ્યા રહે છે, જ્યારે કેટલાક દુકાનદારો પોતાનો માલ સામાન રોડની બહાર રાખે છે, જેથી પાર્કિંગની અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેનું પણ નિરાકરણ લાવવા માટે ની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિક શાખાની ટીમને પણ સાથે રાખીને સૌપ્રથમ બર્ધન ચોક વિસ્તારમાં મોટા પાયે સાફ સુફી કરી હતી. પથારા વાળાઓને તાત્કાલિક ધોરણે રોડ ખાલી કરાવાતાં ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.