ઓલ ઇન્ડિયા બાર એકઝામની તારીખ જાહેર નહી થતાં ઉમેદવારો મૂંઝવણમાં - At This Time

ઓલ ઇન્ડિયા બાર એકઝામની તારીખ જાહેર નહી થતાં ઉમેદવારો મૂંઝવણમાં


- બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા સમક્ષ રજૂઆત કરાઇઅમદાવાદ,તા.20 જુલાઈ 2022,બુધવારવકીલાતની પ્રેકટીસ કરવા માટે ફરજિયાત પાસ કરવી પડતી બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાતી ઓલ ઇન્ડિયા લેવલની ઓલ ઇન્ડિયા બાર એકઝામની તારીખ હજુ સુધી જાહેર નહી થતાં ગુજરાત સહિત દેશભરના લાખો ઉમેદવારો મૂંઝવણમાં મૂકાયા છે. ઓલ ઇન્ડિયા બાર એકઝામ પાસ કર્યા વિના વકીલ કે જજ બની શકાતુ નથી અને તેથી જ લાખો ઉમેદવારો બીસીઆઇની આ એકઝામની તારીખ અને તેના ફોર્મ ભરવાની તારીખની રાહ જોઇને બેસી રહ્યા છે. ચાલુ વર્ષે પરીક્ષાની અને ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં નવ મહિનાનો બહુ મોટો વિલંબ થયો હોઇ લાખો ઉમેદવાોરની મનોદશાને ધ્યાનમાં લઇ તાકીદે ઓલ ઇન્ડિયા બાર એકઝામની તારીખ જાહેર કરવા ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાને આજે રજૂઆત કરી ઉગ્ર માંગ કરી છે. વર્ષમાં બે વાર યોજાતી આ પરીક્ષા ચાલુ વર્ષમાં પહેલીવાર યોજાવાના પણ હજુ કોઇ ઠેકાણાં નથી.પરીક્ષા કે તેના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં નવ મહિનાનો મોટો વિલંબ : લાખો ઉમેદવારો રાહ જોઇ રહ્યા છેરાજયના હજારો ઉમેદવારોની મૂંઝવણને લઇ ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ આજે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાને ઇમેલ મારફતે રજૂઆત કરી ઉગ્ર માંગ કરી છે કે, દર વર્ષે દેશમાં ૮૦થી ૯૦ હજાર જેટલા વકીલ ઉમેદવારો એડવોકેટ તરીકે નોંધણી કરાવ્યા બાદ આ પરીક્ષા આપતા હોય છે. જેમાં ગુજરાતમાંથી પણ દર વર્ષે આશરે પાંચથી છ હજાર ઉમેદવારો આ પરીક્ષા આપતાં હોય છે. ગત વર્ષે તા.૩૧-૧૦-૨૦૨૧ના રોજ ઓલ ઇન્ડિયા બાર એકઝામ યોજાઇ હતી, એ પછી છેલ્લા નવ મહિનાથી બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા આ પરીક્ષાની ન તો તારીખ હજુ સુધી નક્કી કરાઇ છે કે, ન તો તેના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરાઇ છે. ચાલુ વર્ષે ગુજરાતમાંથી ચાર હજારથી વધુ વકીલોએ આ એકઝામ આપવા માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં નોધણી કરાવી છે પરંતુ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા હજુ સુધી એકઝામની તારીખ તેમ જ તેના ફોર્મ ભરવા અંગેની તારીખ જાહેર નહી થતાં હજારો ઉમેદવારો તરફથી બાર કાઉન્સીલ ઓફ ગુજરાત સમક્ષ રોજેરોજ ઇન્કવાયરીઓ આવી રહી છે, તેને લઇને આજે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા સમક્ષ રજૂઆત કરી તાકીદે ઓલ ઇન્ડિયા બાર એકઝામ અને તેના ફોમ ભરવાની તારીખ જાહેર કરવા ઉગ્ર માંગણી કરાઇ છે. હજારો ઉમેદવારો મેજિસ્ટ્રેટ કે અન્ય હોદ્દા માટે અરજી કરી શકતા નથીઓલ ઇન્ડિયા બાર એકઝામ પાસ કર્યા વિના જયુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટકલાસ, સિવિલ જજ, સરકારી વકીલ કે લીગલ ઓફિસર તરીકે હજારો ઉમેદવારો અરજી પણ કરી શકતા નથી, તેથી તેમની નોકરીની ઉજળી તકો પણ ઓલ ઇન્ડિયા બાર એકઝામના જ હજુ ઠેકાણાં નહી હોવાથી છીનવાઇ જવાની દહેશત પણ પ્રવર્તી રહી છે. તેથી ન્યાયાધીશ, સરકારી વકીલ કે લીગલ ઓફિસર તરીકેની કારકિર્દી માટે તૈયારી કરી રહેલા હજારો ઉમેદવારો બીસીઆઇની એકઝામ અને ફોર્મ ભરવાની તારીખ જાહેર થવાની ખાસ રાહ જોઇને બેઠા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.