દેશમાં રાજકીય વિરોધ દુશ્મનીમાં બદલાઈ રહ્યો છે : સીજેઆઇ - At This Time

દેશમાં રાજકીય વિરોધ દુશ્મનીમાં બદલાઈ રહ્યો છે : સીજેઆઇ


- વિપક્ષ અને સરકાર વચ્ચેનું સન્માન ઘટી ગયું છે, વિપક્ષ માટે જગ્યા સિમિત થતી જાય છે - દેશમાં 80 ટકા કેદીઓ કાચા કામના, સરકારને જજોની ખાલી જગ્યાઓ ભરવા કહ્યું છતા કોઇ અસર નહીં : મુખ્ય ન્યાયાધીશ- હું કાયદા મંત્રી બન્યો ત્યારે પેન્ડિંગ કેસોની સંખ્યા સાડા ચાર કરોડ હતી, આજે પાંચ કરોડ છે : રિજિજૂ- લોકશાહીને મજબૂત કરતી ચર્ચાઓના બદલે હવે રાજકારણ ઉગ્ર બનતું જાય છેજયપુર : દેશના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમણે દેશની વર્તમાન સ્થિતિ અંગે ટકોર કરતા આકરા શબ્દોમાં કહ્યું હતું કે એક સમય એવો હતો કે જ્યારે વિપક્ષ અને સરકાર વચ્ચે એકબીજા પ્રત્યે સન્માન હતું જે હવે ઘટી રહ્યું છે. રાજકીય વિરોધ દુશ્મનીમાં બદલાઇ જાય તે સ્વસ્થ લોકશાહી માટે સારા સંકેતો નથી. રાજકીય વિરોધ દુશ્મનીમાં ન બદલાવો જોઇએ. જોકે હાલ એવું જ થઇ રહ્યું છે. જે સારી લોકશાહીના સંકેતો નથી. વિપક્ષ અને સરકાર વચ્ચે આદર-ભાવ હતો જે ઘટી રહ્યો છે અને સાથે સાથે વિપક્ષ માટે પણ જગ્યા સિમિત થતી જાય છે.મુખ્ય ન્યાયાધીશે આ નિવેદન રાજસ્થાન વિધાનસભામાં કોમનવેલ્થ પાર્લામેન્ટરી અસોસિએશન (સીપીએ) દ્વારા આયોજીત કાર્યક્રમમાં આપ્યું હતું. આ પહેલા કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂએ જણાવ્યું હતું કે દેશની વિવિધ કોર્ટોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા વધીને પાંચ કરોડ સુધી પહોંચી ગઇ છે જે દેશ માટે ચિંતાજનક બાબત છે. તેમના આ નિવેદન વચ્ચે જ દેશના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમણે પણ પેન્ડિંગ કેસો અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે પેન્ડિંગ કેસો વધવાનું કારણ જ્યુડિશિયરીમાં ખાલી જગ્યાઓ ન ભરવી અને ઇંફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા ન થવા છે. તેમણે સાથે એમ પણ કહ્યું હતું કે આપણા દેશમાં ક્રિમિનલ ન્યાયની પ્રક્રિયા જ એક પ્રકારની સજા છે.રાજસ્થાનમાં જયપુરમાં આયોજિત રાષ્ટ્રીય કાયદા સેવાના એક સમ્મેલનમાં હાજર મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે દેશભરમાં જેલોમાં ૬.૧૦ લાખ કેદીઓ છે જેમાંથી ૮૦ ટકા અન્ડર ટ્રાયલ છે. કેદીઓની ટ્રાયલ પૂર્ણ થવા પર કામ કરવાની જરુર છે. આપણા દેશમાં ગુનાહિત કેસોમાં ન્યાયની સિસ્ટમની પ્રક્રિયા જ એક પ્રકારની સજા છે. મે ઘણી વખત જજો અને જ્યુડિશિયરીના અન્ય ખાલી પદોને ભરવા માટે કહ્યું છે પણ તેની કોઇ જ અસર પ્રશાસન પર નથી થઇ રહી. મુખ્ય ન્યાયાધીશે આ નિવેદન આપ્યું ત્યારે તે કાર્યક્રમમાં કાયદા મંત્રી કિરણ રિજિજૂ પણ હાજર હતા.  બીજી તરફ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રાષ્ટ્રીય કાયદા યુનિ.ના પદવીદાન સમારોહમાં હાજર કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂએ કહ્યંુ હતું કે હું કાયદા મંત્રી બન્યો ત્યારે દેશમાં વિવિધ કોર્ટોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા સાડા ચાર કરોડ હતી જે આજે પાંચ કરોડ છે. જો તેને લઇને કોઇ જ કાર્યવાહી ન કરવામાં આવી તો હજુ પણ આ સંખ્યા વધી શકે છે. સાથે તેમણે કહ્યું હતું કે જિલ્લા અને હાઇકોર્ટોમાં સ્થાનિક ભાષાને પ્રોત્સાહન આપવું જોઇએ. જ્યારે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી અંગ્રેજી ભાષામાં થવી જોઇએ. મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણે કહ્યું હતું કે લોકશાહીને વધુ મજબુત બનાવવાના પ્રયાસો થવા જોઇએ. સાથે તેમણે આડેધડ થતી ધરપકડો અંગે પણ ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે આડેધડ થતી ધરપકડો અને બાદમાં આરોપીઓને જામીન મળવામાં થતુ મોડુ અંગે પણ વાત કરી હતી. રાજકીય પક્ષોના એકબીજા પર થતા પ્રહારો અંગે વાત કરતા સીજેઆઇએ કહ્યું હતું કે લોકશાહીને મજબૂત બનાવતી ચર્ચા કરવાના બદલે હાલ રાજકીય ચર્ચા ઉગ્ર સ્વરુપ ધારણ કરીને વિરોધ દુશ્મનીમાં બદલાઇ રહ્યો છે. અભિપ્રાયો વ્યક્ત કરવાની વિવિધતા સમાજ અને રાજનીતિને સમૃદ્ધ બનાવે છે. પણ હાલના દિવસોમાં રાજકીય વિરોધ દુશ્મનીમાં ફેરવાઇ રહ્યો છે જે લોકશાહી માટે સારી બાબત નથી.રાજકીય પક્ષો તેમની ઇચ્છા મુજબ કોર્ટ ચલાવવા માગે છે : સીજેઆઇની ચર્ચાસ્પદ ટકોરમુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણ અગાઉ પણ રાજકીય પક્ષોને ટકોર કરી હતી અને કહ્યંુ હતું કે ન્યાયપાલિકા એક સ્વતંત્ર બોડી છે જેની જવાબદેહી માત્ર સંવિધાન પ્રત્યે છે. નહીં કે કોઇ રાજકીય પક્ષો પ્રત્યે. રાજકીય પક્ષોને એવુ લાગી રહ્યું છે કે ન્યાયપાલિકાએ તેના કામોનું સમર્થન કરવું જોઇએ. પણ કોર્ટો માત્ર બંધારણને બાધ્ય છે અને કોઇ રાજકીય પક્ષને નહીં.અંગ્રેજી જાણતા વકીલોને વધુ ફી-કેસો મળે તે યોગ્ય નથી : રિજિજૂકેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂએ વકીલોની ભાષા અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જે વકીલો સારુ અંગ્રેજી બોલી શકે છે કે જાણે છે તેમને અંગ્રેજી ઓછુ જાણતા કે ન જાણતા વકીલો કરતા વધુ ફીસ કે કેસો મળે છે તે માનસિક્તામાંથી બહાર આવવું જોઇએ. હું આ પ્રકારની માનસિક્તાના સમર્થનમાં નથી. જો મને અંગ્રેજી બોલવામાં તકલીફ પડતી હોય તો મને મારી માતૃ ભાષામાં બોલવાની સ્વતંત્રતા હોવી જોઇએ. જે લોકો સારુ અંગ્રેજી બોલતા હોય તેથી તેમને માન સન્માન મળે તેવી માનસિક્તાના તરફેણમાં હું નથી. આપણે આપણી માતૃ ભાષા સાથે જન્મીએ છીએ અને તેની સાથે જ મોટા થઇએ છીએ. માતૃ ભાષાને અંગ્રેજીથી નાની ન ગણવી જોઇએ. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.