સસ્તા અનાજના વેપારીએ ગ્રાહકને સડેલા ઘઉં ધાબડયા,નોટિસ ફટકારવાના આદેશ - At This Time

સસ્તા અનાજના વેપારીએ ગ્રાહકને સડેલા ઘઉં ધાબડયા,નોટિસ ફટકારવાના આદેશ


રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ સસ્તા અનાજના દુકાનદારે એક ગરીબ અરજદારને સડેલા ઘઉં ધાબડી દીધા હોય, અરજદાર પુરવઠા અધિકારી સમક્ષ રાવ લઈને પહોંચ્યા હતા. ત્યારે પુરવઠા અધિકારીએ સામાન્ય અરજદારની વેદના સમજી દુકાનદારને આ અનાજનો જથ્થો બદલાવી આપવા અને પુરવઠા વિભાગને આ દુકાનદારને નોટિસ ફટકારવાના આદેશ આપી મિનિટોમાં અરજદારને ન્યાય અપાવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મવડી વિસ્તારમાં ગોકુલધામની પાછળ જલજીત સોસાયટીમાં રહેતા અને રોજનું રોજ કમાઈને ખાતા એવા ગરીબ અરજદાર બારૈયા વેજાભાઈ જેઠાભાઈ અંકુર વિદ્યાલય મેઈન રોડ ઉપર આવેલ એમ.બી. અમૃતિયાની દુકાન પર સસ્તા અનાજનો જથ્થો લેવા ગયા હતા. તે વેળાએ કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ અરજદાર રગળધગળ હાલતમાં હોય તેઓની કઈ પહોંચ નહી હોય તેવું વિચારીને દુકાનદારે તેઓને ફૂગ થઈ ગયેલો અને સડેલા ઘઉંનો જથ્થો ધાબડી દિધો હતો.
આ વેળા એ અરજદારે દુકાનદારને કહ્યું કે આ ઘઉં ખાવા લાયક નથી. ત્યારે દુકાનદારે એવું કહ્યું કે તારાથી જે થાય એ કરી લેજે, ઘઉં બદલાવી આપીશ નહિ. જો કે અરજદારે ત્યારે જોયું કે બીજા અરજદારોને સારા ઘઉં અપાતા હતા. માત્ર તેઓને જ આવા ઘઉં દીધા હતા. તેઓએ આ અંગે દક્ષિણ મામલતદારને રજુઆત કરી હતી. પરંતુ કચેરીમાંથી કોઈએ તેઓની રજુઆત સાંભળી ન હતી. બાદમાં તેઓ કલેક્ટર કચેરી ખાતે પૂરવઠા અધિકારી સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ અરજદારે પુરવઠા અધિકારી સમક્ષ રજૂઆત કરતા કહ્યું કે તેઓ રોજે રોજનું કમાઈને ખાતા હોય, આ ઘઉંનો જથ્થો તેમની ભૂખ સંતોષવા માટે ખૂબ જરૂરી છે. અરજદારની વેદના પ્રત્યે પુરવઠા અધિકારી અવનીબેન હરણે સંવેદના દાખવીને તુરંત દુકાનદારને ઘઉંનો સારો જથ્થો આપવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત દુકાનદારને નોટિસ ફટકારવાનો પણ આદેશ આપ્યો હતો. આમ પુરવઠા અધિકારીએ મિનિટોમાં અરજદારને ન્યાય અપાવતા અરજદારે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.