બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
--------------------
બોટાદ જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે જિલ્લા કલેક્ટરશ્રીએ આપ્યું માર્ગદર્શન
--------------------
જિલ્લાની વિવિધ કચેરીના અધિકારીશ્રીઓને એકજૂટ થઈને લોકહિતાર્થે કામગીરી કરવા કલેક્ટરશ્રીનું સૂચન
--------------------
માહિતી બ્યુરો, બોટાદ : આજે બોટાદ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કલેકટરશ્રી બી.એ.શાહની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લાની વિકાસલક્ષી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, અટલ પેન્શન યોજનાને લઇને ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના વિકાસને લઇને કલેક્ટરશ્રીએ આ બેઠકમાં વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ સાથે વિગતવાર ચર્ચાવિચારણા કરી હતી. આ બેઠકમાં સેવાસેતુ કાર્યક્રમ હેઠળ કરાયેલી કામગીરી, સરકારી નાણાંની વસૂલાત, કચેરીમાં આવતા કાગળોની સ્થિતિ, પેન્શન કેસ અંગે પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સંકલનની બેઠકમાં લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરવામાં આવી હતી. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા કલેક્ટરશ્રી દ્વારા સૂચન કરાયા હતા.
આ બેઠકના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. ત્યારે આ કાર્યક્રમોનું સફળતાપૂર્વક અને સુચારુ આયોજન થાય તે માટે કલેક્ટરશ્રીએ સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
સમગ્ર બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેક્ટરશ્રી મુકેશભાઈ પરમારે કર્યુ હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા, પોલીસ અધિક્ષકશ્રી કરણરાજ વાઘેલા સહિત તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.