દ.ગુજરાતમાં 10 થી 18 ઇંચ વરસાદ નવસારીમાં પૂર્ણા, અંબિકા, કાવેરીમાં ઘોડાપૂર - At This Time

દ.ગુજરાતમાં 10 થી 18 ઇંચ વરસાદ નવસારીમાં પૂર્ણા, અંબિકા, કાવેરીમાં ઘોડાપૂર


- વાંસદામાં 17.4, ધરમપુરમાં 17, કપરાડામાં 15.5, પારડીમાં 12 ઇંચ વરસાદ- જલાલપોરમાં 11, ચીખલી-ખેરગામ-ગણદેવીમાં 10-10, વાપીમાં 11.5, તાપીના ડોલવણમાં 9.7 ઇંચ વરસાદ : નવસારીમાં કરંટ લાગતા એક યુવાનનું મોત- પૂરગ્રસ્તોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ : નદી કિનારાનાં ગામો બેટ બન્યાં : 25 ગામોમાં પાણી ભરાતાં લોકો ફસાયાનવસારી-વલસાડ : રેડ એલર્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળ્યું છે. નવસારી જિલ્લામાં આકાશી આફત વરસતા સમગ્ર જિલ્લામાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા-કાવેરી-અંબિકામાં ત્રીજી વખત ઘોડાપુર આવતા જિલ્લો જળમગ્ન બન્યો છે. પૂર્ણા-કાવેરી નદીનાં પૂરમાં ફસાયેલા લોકોની હેલિકોપ્ટરથી બહાર કાઢવામાં આવ્યા હતા. ને.હા.નં.૪૮ પર ઠેર-ઠેર પાણી ભરાતા ચીખલીથી વલસાડ સુધી બંધ કરાયો છે. નવસારીમાં કરંટ લાગતા આશાસ્પદ યુવાનનું કરૂણ મોત થયું છે. જિલ્લાનાં અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. કાવેરી નદી દેસરામાં ઓવરફલો થતા પાળો તોડી સોમનાથ તળાવમાં પાણી ભરાય છે. જિલ્લામાં વિતેલા ૨૪ કલાકમાં સરેરાશ ૧૧.૩૮ ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ૧૭.૪ ઈંચ વાંસદામાં, જલાલપોરમાં ૧૧.૦ ઈંચ, ચીખલીમાં ૧૦.૬ ઈંચ, ખેરગામમાં ૧૦.૫ ઈંચ, ગણદેવીમાં ૧૦.૦ ઈંચ અને નવસારીમાં ૮.૮ ઈંચ પાણી ઝીંકાયુ છે. જ્યારે વલસાડમાં ઉપરવાસમા વરસાદને લીધે અઠવાડીયામાં બીજીવાર પૂર આવ્યું છે. ડાંગમાં વરસાદને કારણે અનેક ગામોનો સંપર્ક કપાયો છે. નવસારી જિલ્લાનાં ઉપરવાસનાં આહવા-ડાંગ સહિત જિલ્લામાં છેલ્લા ૬ દિવસથી અતિ ભારે વરસાદ ઝીંકાતા જિલ્લાની પૂર્ણા-અંબિકા-કાવેરી નદીમાં એક સપ્તાહામાં ત્રીજી વખત ઘોડાપુર આવ્યા છે. અતિવૃષ્ઠિ અને પૂરના કારણે જનજીવન વેરાણછેરાન બન્યું છે. જિલ્લામાં નદી કાંઠે આવેલા ગામો તેમજ શહેરનાં નીચાણવાળા વિસ્તારો સહિત શહેરનાં મુખ્ય માર્ગો ઉપર કમ્મરથી ગળા સુધી પાણી ભરાતા લોકોમાં ડર અને દહેશત વ્યાપ્યાં હતાં. નવસારી શહેર તેમજ આજુબાજુનાં ગામોનાં તમામ માર્ગો બંધ થયા હતા. પૂર્ણાનદીનાં ઉપરવાસ તથા તેના કેચમેન્ટ એરિયામાં પડેલા ભારે વરસાદનાં કારણે બુધવારે મધ્યરાત્રિએજ નદીએ તેની ૨૩ ફૂટની ભયજનક સપાટી વટાવી દીધી હતી. અને પાણી ભરાવવાનું શરૂ થયું હતું. વિરાવળ પુલ પાસે પૂર્ણાનદી ગુરૂવારે બપોરે ૪-૦૦ વાગે ૨૭ ફૂટે વહી રહી છે. જ્યારે અંબિકા નદી ગણદેવીનાં સોનવાડીનાં પુલ પાસે તેની ૨૮ ફૂટની ભયજનક સપાટીથી ૧૦ ફૂટ ઉપર ૩૭.૩૨ પર ગાંડીતૂર બનીને વહી રહી છે. જેનાં પગલે ગણદેવી તાલુકોનાં નદી કિનારાના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. જ્યારે કાવેરી નદી ચીખલીનાં થાલા પાસે પોતાની ૧૯ ફૂટની ભયજનક સપાટીથી ૯ ફૂટ ઉપર ૨૮.૦ ફૂટે રૌદ્રસ્વરૂપે વહી રહી છે.જેના લીધી ચીખલી-ગણદેવી-ખેરગામ તાલુકાનાં ૨૫ ગામોમાં પામી ભરાતા લોકો ફસાયા છે. ફસાયેલાં લોકોને બહાર કાઢવા એન.ડી.આર.એફ.ની ટીમો પોલીસ ફાયર બ્રિગેડ જવાનો કામે લાગ્યા હતા. ચીખલી ગામે પૂરમાં ફસાયેલા લોકોને દમણ કોસ્ટગાર્ડનાં હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાયા હતા. તવડી ગામમાં ૨૦૦ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.