ગુજરાત હાઇકોર્ટ : પુત્રને લઇને જતી રહેલી માતા પાસેથી કબ્જો ફરી પિતાને અપાયો - At This Time

ગુજરાત હાઇકોર્ટ : પુત્રને લઇને જતી રહેલી માતા પાસેથી કબ્જો ફરી પિતાને અપાયો


અમદાવાદ,તા.15 જુલાઈ 2022,શુક્રવારપુત્રને લઇને જતી રહેલી માતા પાસેથી તેનો કબ્જો ગુજરાત હાઇકોર્ટે ફરી તેના પિતાને અપાવ્યો હતો. છૂટાછેડા બાદ ફેમીલી કોર્ટના હુકમ મુજબ બંને સંતાનો સાથે રહેતા પતિના વાલીપણામાંથી પત્ની પોતાના પુત્રને લઇને જતી રહી હતી. જેથી પતિએ હાઇકોર્ટેમાં હેબીયર્સ કોર્પસ અરજી કરી હતી. જેની સુનાવણી બાદ જસ્ટિસ વી.એમ.પંચોલી અને જસ્ટિસ સંદીપ એન.ભટ્ટની ખંડપીઠે કેસની તમામ હકીકતો અને સંજોગો જાણ્યા બાદ પુત્રનો કબ્જે ફરી તેના પિતાને સોંપ્યો હતો. હાઇકોર્ટે અરજદાર પિતાની અરજી મંજૂર રાખી હતી. છૂટાછેડા બાદ સંતાનનો કબ્જો પિતા પાસે હતો,  પતિ બહારગામ ગયો ત્યારે પત્ની પુત્રને લઇ ગઇઅરજદાર પિતા દ્વારા કરાયેલી હેબીયર્સ કોર્પસ અરજીમાં એ મતલબની રજૂઆત કરાઇ હતી કે, અરજદારના લગ્ન તા.૩-૭-૯૭ના રોજ તેમની પત્ની સાથે થયા હતા. આ લગ્નજીવન દરમ્યાન તેમને ૧૯ વર્ષની પુત્રી અને ૧૨ વર્ષનો પુત્ર સંતાનમાં છે. જો કે, લગ્નજીવનની તકરારને લઇ તેમણે ૨૦૧૪માં ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. જેના અનુસંધાનમાં ફેમિલી કોર્ટે તા.૧૦-૧૨-૨૦૧૯ના રોજ તેમના છૂટાછેડા મંજૂર કર્યા હતા અને બંને સંતાનોની કસ્ટડી પણ અરજદારને આપી હતી. અરજદાર બંને સંતાનોની સારી રીતે સારસંભાળ રાખી રહ્યા છે. એટલે સુધી કે, ઓગસ્ટ-૨૦૨૧માં અરજદારે તેમની મોટી પુત્રીને અભ્યાસ અર્થે વિદેશ મોકલી છે. દરમ્યાન તા.૧૪-૫-૨૦૨૨ના રોજ અરજદાર તેમની નોકરીના કામ અર્થે બહારગામ ગયા હતા ત્યારે તેમની પૂર્વ પત્ની ઘેર આવી તેમના પુત્રને ગેરકાયદે લઇને જતી રહી હતી. અરજદારે હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, ખુદ ફેમિલી કોર્ટે બંને સંતાનોની કાયદેસર કસ્ટડી અરજદારને સોંપી છે ત્યારે પૂર્વ પત્ની આ પ્રકારે ગેરકાયદે રીતે તેમના પુત્રને લઇ જઇ શકે નહી અને તેને ગેરકાયદે રીતે પોતાની કસ્ટડીમાં રાખી શકે નહી. આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે અરજદાર પિતાની અરજી મંજૂર રાખી હતી અને પુત્રનો કબ્જો ફરી માતા પાસેથી તેના પિતાને અપાવતો હુકમ કર્યો હતો. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.