રાજકોટમાં જળબંબાકાર: અધિકારીઓ-પદાધિકારીઓ ‘પ્રજાની પડખે - At This Time

રાજકોટમાં જળબંબાકાર: અધિકારીઓ-પદાધિકારીઓ ‘પ્રજાની પડખે


રાજકોટમાં ગઈકાલ રાતથી સતત વરસતા વરસાદને પગલે અધિકારી-પદાધિકારીઓ રસ્તા પર ઉતર્યા છે. ત્યારે નીચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાઈ જતા લોકો ભયભીત થયા છે જો કે આ વચ્ચે મેયર, મ્યુ.કમિશ્નર સહિતના અધિકારી-પદાધિકારિયો લોકોની મદદે પહોંચી ગયા છે. સતત વર્ષતા વરસાદથી કલેકટર દ્વારા તમામ તાલુકાઓમાં કોલ સેન્ટરો શરુ કરવામાં આવ્યા છે. આજે રાજકોટના નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસ્યા હતા જો કે આ વચ્ચે મેયર અને ધારાસભ્ય સહિતનાઓ લોકોની વચ્ચે રહી મદદે આવી પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે લોકોએ ગભરાવાની જરૂર નથી તંત્ર સતર્ક છે.

મનપાની ટીમો સતત ગ્રાઉન્ડ પર: શહેરીજનોને સહેજ પણ ભયભીત નહીં થવા મેયર ડો. પ્રદીપ ડવની અપીલ

રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજકોટ શહેરમાં તંત્રની ટીમો સતત ગ્રાઉન્ડમાં છે. જાનહાની કે અન્ય કોઈ સમસ્યાના કોઈ સમાચાર મળ્યા નથી. લલુડી વોકડી વિસ્તારના આશરે 300 જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડી તેમની રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. ઉપરાંત નદી કાંઠાના વિસ્તારો જેવા કે, ભગવતીપરા, જંગલેશ્વર, રામનાથપરા સહિતના વિસ્તારોને એલર્ટ પર મૂકી તંત્ર સતત સ્થાનીકોના સંપર્કમાં છે. આ વિસ્તારોમાં માઇક દ્વારા સતત સૂચના પણ અપાઈ રહી છે. કોર્પોરેશનના સર્વે અધિકારીઓ, પદાધિકારીઓ, કોર્પોરેટરો સતત ગ્રાઉન્ડમાં ખડેપગે છે. તમામ સાધન સામગ્રી જેવી કે, પમ્પીંગના સાધનો, ફાયરના સાધનો તૈયાર કરી લેવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમ પણ સજ્જ છે અને લોકોને સહેજ પણ ભયભીત થવાની જરૂર નથી તેવું પ્રદીપભાઇ ડવે જણાવ્યું હતું. ઉપરાંત તેમણે શહેરીજનોને સાવચેતી રાખવા તેમજ સહેજ પણ ભયનો માહોલ લાગ તો તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા અપીલ કરી છે.

રામનાથદાદાના મંદિરમાંથી દૂષિત પાણી ન પ્રવેશે તે દિશામાં કાર્ય સતત પ્રગતિ પર : ગોવિંદભાઇ પટેલ

ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે રામનાથ મંદિર સહિતના વિસ્તારોનું નિરીક્ષણ કરતી વેળાએ જણાવ્યું હતું કે, રામનાથદાદાની કૃપાથી રાજકોટ શહેર પર મેઘરાજાની મહેર થઈ છે. નદીના મેદાન વિસ્તારમાંથી કચરો, ગાંડીવેલ તેમજ રેતી કાઢી નદીને ઊંડી કરવાની પ્રક્રિયા પણ કરાઈ છે, ભવિષ્યમાં રામનાથદાદાના મંદિરમાંથી દૂષિત જળનો પ્રવાહ પસાર નહીં થાય તે દિશામાં હાલ કામગીરી શરૂ છે. નદીમાં જે ગાંડી વેલ હતા તેને પણ દૂર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, શહેરના મુખ્ય બે નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં 3-4 ઇંચ વરસાદમાં પણ પાણી ભરાઈ જતા હોય છે જેમાં લલુડી વોકડી અને ઘનશ્યામનગરનો સમાવેશ થાય છે. આઆ વિસ્તારના લોકોનું સ્થળાંતર પણ કરી દેવામાં આવ્યું છે.

વરસાદી આફત ને પોહચી વળવા તંત્ર સજ્જ, જિલ્લામાં 300 લોકોનું સ્થળાંતર કરાયું: અરૂણ મહેશ બાબુ

રાજકોટ જિલ્લા કલેક્ટરે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના 28 ડેમોમાં નવા નીર આવ્યા છે.જેમાં8 ડેમ 100% ભરાયા છે જ્યારે 3 ડેમ ઓવરફ્લો થયા છે.ફોફળ ,ભાદર અને આજી ડેમ ઓવરફ્લો થયો છે.ન્યારી ડેમ ભરાઈ ચુક્યો છે એ પણ ઓવરફ્લોની તૈયારીમાં છે.રાજકોટની જનતા ને અપીલ છે કે આનંદની વાત છે કે સારો વરસાદ પડ્યો પરંતુ પાણીમાં ઉતરવાનું ટાળો જેથી જાનહાની અટકી શકે.ભારે વરસાદની આગાહી હોઈ વડીલો અને બાળકો ઘરે રહે એ જ વિનંતી છે.ઇલેક્ટ્રીક પોલ શોર્ટ સર્કિટ થવાની શકયતા રહે છે માટે વધુ પાણીમાં ન જાઓ.રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, મહાનગર પાલિકા તંત્ર, પોલીસ તંત્ર સાથે મળીને અત્યારે કામ કરી રહ્યા છે.માધાપર ચોકડી, ગોંડલ ચોકડી પાસે પાણીની સમસ્યા છે તેને નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી છે.પાણી ભરેલા વિસ્તારોમાં લોકો નીચે ન ઉતરે એ ખાસ વિનંતી છે.ખેડૂતો માટે આનંદની વાત એ છે કે આવનારા 4 થી 5 મહિના માટે સિંચાઈ માટે પાણીની ચિંતા નહિ રહે.નગરપાલિકાઓ વિસ્તાર માટે પીવાના પાણીની સમસ્યા નહિ રહે.જિલ્લામાં અત્યાર સુધીમાં એક માનવ મૃત્યુ થયું છે તેની ચુકવણી પણ સીએમ રાહત ફંડ માંથી થઈ ચૂકી છે.5 પશુ મૃત્યુ થયા છે તેની પણ ચુકવણી થઈ છે.તમામ 14 તાલુકામાં મામલતદાર ટીડીઓ ચીફ ઓફિસર્સની ટીમ કાર્યરત છે.રાજકોટ જિલ્લામાં 300 લોકોનું ટેમ્પરરી સ્થળાંતર કર્યું છે.rdf ની ટીમ દ્વારા 13 લોકોને રેસ્ક્યુ કરાયા છે.રાજકોટ પાસે અત્યારે 2 અને એક ટીમ છે જે સતત સંપર્ક માં છે.નેવી પોરબંદર સાથે પણ ટાઈપ કરેલ છે.ગયા વર્ષે જરૂર પડી હતી પરંતુ ભગવાન ને પ્રાર્થના કરીએ આ વર્ષે એ જરૂર ન પડે.લોકોને વિનંતી છે કે ડેમ સાઇટ્સની વિઝિટ ન લેશો.

વહેલી સવારથી જ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાય

છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેર પર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.જેના પગલે રાજકોટના વિવિધ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.જેમાં માધાપર ચોકડી ખાતે પાણીનો પુષ્કર પ્રમાણમાં ભરાવો થયો છે. ત્યારે વહેલી સવારથી જ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર કામે વળગી અને લોકોને હાલાકી ન પડે તે રીતની કામગીરી હાથ ધરી છે. રાજકોટ મહાનગરપાલિકાના સીટી એન્જિનિયર હેમનભાઈ કોટકએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વહેલી સવારથી જ ટીમ માધાપર ચોકડી ખાતે કામે વળગી છે.માધાપર ચોકડી પર પાણીનો ભરાવો થઈ રહ્યો છે.પાણીની લાઈનનો નિકાલ પણ કરવામાં આવ્યું છે.પ્રજાને પાણીના ભરાવાથી હાલાકી ન થાય તે માટેના તમામ પ્રયાસો તંત્ર એ હાથ ધર્યા છે.

ભારે વરસાદને કારણે રેલનગર અંડરબ્રિજ પર અવર-જવર બંધ કરાવાઈ

ભારે વરસાદના પગલે રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ અન્ડરબ્રીજમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકો અવર જવર ના કરે અને કોઈ જાનહાની ના સર્જાય તે હેતુથી કોર્પોરેશન દ્વારા અવર જવર અટકાવીને અંડરબ્રીજ બંધ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.