ભારત 2023માં ચીનને પાછળ મૂકીને સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બનશે
- વર્લ્ડ પોપ્યુલેશન ડે નિમિત્તે યુએનનો અહેવાલ- દુનિયાની વસતિ નવેમ્બર-2022માં 800 કરોડે પહોંચી જશે : ભારતની આબાદી 141 કરોડ હોવાનો અંદાજનવી દિલ્હી : વિશ્વ વસતિ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રસંઘે વસતિનો અહેવાલ રજૂ કર્યો હતો. અહેવાલ પ્રમાણે આવતા વર્ષે ચીનને પાછળ મૂકીને ભારત દુનિયાનો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બની જશે. ભારતની વસતિ અત્યારે ૧૪૧ કરોડ હોવાનો અંદાજ છે. ચીનની વસતિ ૧૪૨ કરોડ છે.સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ પ્રમાણે ભારત આવતા વર્ષના અંત સુધીમાં દુનિયાનો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બની જશે. ચીનની વસતિ અત્યારે ૧૪૨ કરોડ છે, ભારતની વસતિ અત્યારે ૧૪૧ કરોડ છે. ૨૦૫૦ આવતા સુધીમાં તો ભારત અને ચીનની વસતિમાં મોટો તફાવત થઈ જશે. ભારતમાં એ વખતે ૧૬૬ કરોડ કરતાં વધુ લોકો રહેતા હશે. જ્યારે ચીન ૨૦૫૦માં માંડ ૧૩૧ કરોડની વસતિ ધરાવતો હશે. ચીનમાં વસતિનો ઘટાડો નોંધપાત્ર રીતે વધ્યો છે.સંયુક્ત રાષ્ટ્રસંઘે કહ્યું હતું કે આ વર્ષે નવેમ્બરમાં દુનિયાની વસતિ ૮૦૦ કરોડને પાર પહોંચી જશે. ૨૦૩૦ સુધીમાં વિશ્વની વસતિ ૮૫૦ કરોડ કરતાં વધારે હશે. ૨૦૫૦ સુધીમાં દુનિયાની આબાદી ૯૭૦ કરોડ અને ૨૦૮૦માં ૧૦૦૦ કરોડને પાર થશે. ૧૯૫૦ પછી દુનિયાના વસતિ વધારાની ગતિ નોંધપાત્ર રીતે ઘટી છે. ૨૦૨૦માં વૃદ્ધિદર એક ટકા જેટલો ધીમો પડયો હતો.૨૦૨૨માં દુનિયાના બે વિસ્તારોમાં વસતિવૃદ્ધિ નોંધપાત્ર હતી. પૂર્વ અને દક્ષિણ-પશ્વિમ એશિયાના વિસ્તારોમાં ૨૩૦ કરોડ લોકો રહે છે, જે વિશ્વની આબાદીનો ૨૯ ટકા હિસ્સો છે. મધ્ય અને દક્ષિણ એશિયામાં ૨૧૦ અબજની વસતિ છે. જે વિશ્વની વસતિના ૨૬ ટકા છે. સંયુકત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે કહ્યું હતું કે આ વર્ષે પૃથ્વી પર ૮૦૦ કરોડમા પૃથ્વીવાસીનો જન્મ થશે. વિશ્વએ વિવિધતામાં એકતા શીખવાની છે. આપણે દરેક માણસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.દેશમાં એક વર્ગની વસતિ વધતી હોવાથી અરાજકતા ફેલાશે : યોગી આદિત્યનાથઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં વિશ્વ વસતિ દિવસના કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું હતું કે વધતી વસતિ ચિંતાનો વિષય છે. ૧૦૦ કરોડની વસતિ થતાં લાખો વર્ષો લાગ્યા, પરંતુ ૧૮૩થી ૧૮૫ વર્ષોમાં જ વિશ્વની વસતિ ૧૦૦થી ૭૦૦ કરોડે પહોંચી ગઈ. ભારતમાં જ આજે ૧૩૫થી ૧૪૦ કરોડ લોકો છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૨૪ કરોડની વસતિ છે, જે થોડા સમયમાં જ ૨૫ કરોડે પહોંચી જશે. વસતિ વધારાની આ ઝડપ નિયંત્રિત કરવી જરૂરી છે. એક વર્ગની વસતિ વધતી હોવાથી અરાજકતા ફેલાશે. સંતુલન જરૂરી છે. ધર્મોથી ઉપર ઉઠીને જાગૃતિ ઝુંબેશ ચલાવવાની જરૂર છે. ધર્મગુરૃઓએ એમાં સહભાગી થવાની જરૃર છે. યોગીએ ઉમેર્યું હતું કે ક્યાંક એવું ન થાય કે જાગૃતિ ઝુંબેશ ચલાવવાથી કોઈ એક વર્ગની વસતિ ઘટવા માંડે અને બીજા વર્ગની વસતિ વધવા માંડે. જનસંખ્યાનું સંતુલન જળવાય એ પણ જરૃરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.