પેટલાદના રાવલીમાં ઠેર-ઠેર ગંદા પાણીના તળાવો ભરાતા હાલાકી - At This Time

પેટલાદના રાવલીમાં ઠેર-ઠેર ગંદા પાણીના તળાવો ભરાતા હાલાકી


- વરસાદી માહોલથી મચ્છરજન્ય રોગચાળો વકરશે- ગામમાં ગટરલાઈન મંજૂર થઈ હોવા છતા કોઈ કામગીરી ન થતા રોગચાળો ફેલાવાની દહેશતઆણંદ : આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના રાવલી ગામે વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગંદા પાણીના ખાબોચિયા તેમજ ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયા હોવાની ફરિયાદો ઉઠી  છે. ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થતા જાહેર માર્ગો ઉપર પાણી ભરાઈ રહેવાના કારણે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. ગામમાં ગટરલાઈન મંજૂર થઈ હોવા છતાં કામગીરી હાથ ન ધરાતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનો મત સ્થાનિકોએ વ્યક્ત કર્યો છે.પેટલાદ તાલુકાના રાવલી ગામના ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી ગામના જાહેર રસ્તાઓ ઉપર ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયેલા જોવા મળે છે. ગામના પ્રવેશદ્વાર પાસે જ કચરાના ઢગલા ખડકાયા છે. ચોમાસા દરમિયાન વરસાદ થતાં જાહેર માર્ગોની આસપાસ વરસાદી પાણી ભરાતા ઠેર ઠેર ગંદકીનું પ્રમાણ વધતા સ્થાનિકોને રોગચાળામાં સપડાવાનો ભય સતાવી રહ્યો છે. ઉપરાંત ગામલોકોનું વપરાશી પાણી પણ જાહેર રસ્તાઓ ઉપર ફેલાય છે. ગામના હુસેની ચોક, મસ્જિદની બાજુમાં ઈન્દિરાનગરી તરફના માર્ગે, મંગાવાળા વિસ્તારમાં બારેમાસ પાણી ભરાઈ રહે છે. લતીફીયા હોલની પાછળના વિસ્તારમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી દુર્ગંધ મારતા પાણીનો ભરાવો થયો છે. આ મુદ્દે ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે તંત્ર ધ્વારા જાહેર રસ્તાઓ પરની ગંદકી દૂર નહિ કરાતા ગ્રામજનોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. હાલ ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરજન્ય બીમારી ફેલાવાની ભીતિ ગ્રામજનો સેવી રહ્યાં છે. આ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ રાવલી ગામની માંડ ચાર હજારની વસતી છે છતાં સાફસફાઈના અભાવે કેટલાક વિસ્તારોમાંથી પસાર થવું અત્યંત કઠિન બની ગયું  છે. ગામમાં ગટર લાઈન મંજુર થઈ હોવા છતાં તે અંગેની કામગીરી હાથ ધરવામાં વિલંબ થઈ રહ્યો છે જેને કારણે બારેમાસ રસ્તાઓ પર દૂષિત પાણી વહેતું રહે છે. આ અંગે તંત્ર દ્વારા સાફસફાઈ તેમજ ગંદા પાણીનો નિકાલ કરવા સત્વરે કામગીરી હાથ ધરવામાં આવે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.