શિંજો આબેના અવસાનથી ભારત, નેપાળમાં આજે રાષ્ટ્રીય શોક જાહેર
- આબેના નિધનથી ભારતે મિત્ર, દુનિયાએ વૈશ્વિક નેતા ગુમાવ્યા : મોદી- આબે સૌથી વધુ વખત ભારત આવનારા જાપાનના પહેલા પીએમ હતા, તેમનું પદ્મવિભૂષણથી સન્માન કરાયું હતું- પૂર્વ પીએમ આબેના નિધન અંગે ફ્રાન્સ, અમેરિકા સહિત દુનિયાના નેતાઓએ શોક વ્યક્ત કર્યોનવી દિલ્હી : જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેની અચાનક જ ગોળી મારીને હત્યા કરાતા સમગ્ર વિશ્વને આંચકો લાગ્યો છે. આબેના નિધન પર શોક વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું, હું મારા સૌથી પ્રિય મિત્રોમાંથી એક શિંજો આબેના નિધનથી સ્તબ્ધ અને દુ:ખી છું. તેઓ એક મહાન વૈશ્વિક રાજનેતા, વહીવટકાર હતા. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, તેમણે જાપાન અને દુનિયાને વધુ સારી જગ્યા બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. શિંજો આબે પ્રત્યે અમારા હૃદયમાં ખૂબ જ સન્માન છે. તેથી શનિવારે ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક રહેશે. આબેએ ભારત અને જાપાનના સંબંધોને વિશેષ રણનીતિક અને વૈશ્વિક ભાગીદારીના સ્તર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના નિધનથી જાપાનની સાથે ભારત પણ શોકમગ્ન છે. આ સાથે વડાપ્રધાન મોદીએ ટોક્યોમાં આબે સાથેની તેમની છેલ્લી મુલાકાતની એક તસવીર શૅર કરી હતી. ભારતની સાથે નેપાળે પણ આબેના માનમાં શનિવારે એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી. ભારતમાં વડાપ્રધાન ઉપરાંત કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધીએ પણ આબેની હત્યા અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. શિંજો આબે જાપાનના પહેલા વડાપ્રધાન છે, જે તેમના કાર્યકાળમાં સૌથી વધુ વખત ભારત આવ્યા હતા અને પ્રજાસત્તાક દિન સમારંભના મુખ્ય મહેમાન બન્યા હતા. વર્ષ ૨૦૨૧માં ભારત સરકારે દેશના બીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મભૂષણથી તેમનું સન્માન કર્યું હતું.શિંજો આબેના મોતથી માત્ર જાપાન જ નહીં દુનિયામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અમેરિકા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોએ આબેના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું, આબેના વૈશ્વિક નેતૃત્વને અનેક લોકો યાદ કરશે. અમે આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર, મિત્રો અને જાપાનીસ લોકોની સાથે છીએ. અમેરિકન પ્રમુખ જો બાઈડેને કહ્યું કે, આબેની હત્યા આંચકાજનક અને પરેશાન કરનારી ઘટના છે. શિંજો આબે દુનિયાના મહાન દુરદર્શી નેતાઓમાં સામેલ હતા. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીસે કહ્યું કે, શિંજો આબે વૈશ્વિક મંચ પર ઓસ્ટ્રેલિયાના સૌથી નજીકના મિત્રોમાંથી એક હતા. ફ્રાન્સના વિદેશ મંત્રાલયે કહ્યું કે, આબેએ તેમનું જીવન દેશને સમર્પિત કરી દીધું. જાપાને એક મહાન પૂર્વ વડાપ્રધાન ગુમાવી દીધા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.