કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે રાખેલી મહેંદી સ્પર્ધા છેલ્લી ઘડીએ કેન્સલ થવા પાછળ રાજકારણ જવાબદાર - At This Time

કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે રાખેલી મહેંદી સ્પર્ધા છેલ્લી ઘડીએ કેન્સલ થવા પાછળ રાજકારણ જવાબદાર


- છેલ્લી ઘડીએ સ્પર્ધા રદ્દ કરાતા ભાગ લેનાર બાળકીઓ નિરાશ- ભાગ લેવા માટે રીક્ષા  ભાડું ખર્ચીને છોકરીઓ આવી હતી,  સ્થળ પર આવ્યા બાદ સ્પર્ધા રદ થયાની જાણ થઈ : કર્મચારીઓ દ્વારા સ્પર્ધકો સાથે ઉદ્ધત વર્તન સુરત,તા.8 જુલાઈ 2022,શુક્રવારસુરત મ્યુનિ.ના કતારગામ ઝોનમાં અલુણા વ્રત નિમિત્તે રાખવામા આવેલી મહેંદી સ્પર્ધા છેલ્લી ઘડીએ રદ કરી દેતાં સ્પર્ધકોની હાલત કફોડી થઈ ગઈ હતી. સ્પર્ધા શરૂ થવાના સમયે ઝોન દ્વારા સ્પર્ધા રદ્દ કરી હોવાના બોર્ડ બહાર મુકી દેવામાં આવ્યા હતા. સ્પર્ધકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ સ્થળ પર આવ્યા બાદ તપાસ કરતાં સ્થળ પરના કર્મચારીઓ દ્વારા તેમની સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હોવાની વ્યાપક ફરિયાદ થઈ રહી છે. સુરત મ્યુનિ. તંત્રએ દર વર્ષની જેમ આ વર્ષે પણ અલુણા વ્રત દરમિયાન જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી સ્પર્ધા રાખવાનું શરૂ કર્યું છે. જેના ભાગ રૂપે કતારગામ ઝોનમાં કોમ્યુનીટી હોલ ખાતે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહેંદી સ્પર્ધા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને શહેર ભરમાંથી 400 જેટલી વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું  હતું. કતારગામ કોમ્યુનિટી હોલમાં 12થી 2 વાગ્યે સ્પર્ધા શરૂ કરવાનો સમય રાખવામાં આવ્યો હતો અને કોમ્યુનિટી હોલમાં તમામ તૈયારી પણ કરી દેવામાં આવી હતી. સ્પર્ધા એક વાગ્યે હોય સ્પર્ધક છોકરીઓ સ્થળ પર આવી ગયા હતા. પરંતુ અચાનક જ સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ સ્પર્ધા રદ કરવાની જાહેરાત કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ ડઘાઈ ગયા હતા. આ વિદ્યાર્થીઓ અને અન્ય આ સ્પર્ધા રદ્દ ક્યા કારણોસર થઈ તેની પૂછપરછ કરવા માટે ગયાં ત્યાં સ્થળ પર હાજર કર્મચારી દ્વારા તેમની સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હતું અને બોર્ડ બહાર મુક્યું છે વાંચી લો તેમ કહેવામાં આવ્યું હતું. બહાર બોર્ડ મુકવામાં આવ્યું હતું તેમાં અનિવાર્ય સંજોગોના કારણે સ્પર્ધા રદ્દ કરવામાં આવી છે એવું લખવામાં આવ્યું હતું. મહેંદી સ્પર્ધાનું આયોજન સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું અધ્યક્ષ પૂર્ણિમા દાવલેને પૂછતાં તેઓએ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો અને સ્પર્ધા કયા કારણસર મુલત્વી રાખવામાં આવી તેનો ખુલાસો કરવામાં આવ્યો ન હતો. તેઓ માત્ર અનિવાર્ય સંજોગોના કારણે સ્પર્ધા મુલતવી રાખવાની વાત કરી રહ્યાં છે પરંતુ આ સંજોગો ક્યા છે તે અંગે કોઈ ફોડ પાડ્યો નથી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.