જામનગરમાં એસટી ડેપો સામે રહેતા એક વૃદ્ધ મહિલાના ઘરમાં ધોડે દહાડે લૂંટની ઘટનાથી ભારે ચકચાર
- રેઇનકોર્ટ સાથે જીઇબીના કર્મચારીના નામે ફ્લેટમાં ઘુસી જઈ છરીની અણીએ અઢી લાખના દાગીનાની ચલાવી લૂંટ- એલસીબીની ટીમે ચોતરફ નાકાબંધી કરી દઈ ગણતરીના કલાકોમાં જ લૂંટારૂને પકડી લઈ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલ્યોજામનગર તા 8 જુલાઈ 2022,શુક્રવાર જામનગર માં એસટી ડેપો સામેના એપાર્ટમેન્ટમાં રહેતા એક વૃદ્ધ મહિલાના ઘરમાં ગઈકાલે ધોળે દહાડે લૂંટ નો બનાવ બન્યો હતો, અને જીઇબી ના કર્મચારી ના શ્વાંગમાં રેઇનકોટ પહેરીને લૂંટારૂ ઘુસી આવ્યો હતો, અને છરીની અણીએ મહિલાના ઘરમાંથી રૂપિયા અઢી લાખના સોનીના દાગીનાની લૂંટ ચલાવી ભાગી છૂટ્યો હતો. જે બનાવને લઈને પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું, અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોતરફ નાકાબંધી કરી દઈ ગણતરીના કલાકોમાં જ લૂંટારૂ શખ્સને પકડી પાડ્યો હતો, અને તેની પાસેથી રૂપિયા પોણા ચાર લાખની કિંમતના સોનાના દાગીના કબજે કરી લીધા છે, અને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. જામનગર શહેરમાં ભારે ચકચાર જગાવનારા લૂંટના બનાવની વિગતો એવી છે કે જામનગરમાં એસટી ડેપો સામે આવેલા હેમાલી એપાર્ટમેન્ટના બીજા માટે રહેતા વિદ્યાલક્ષ્મીબેન જનાર્દન ક્રિષ્ના પીલ્લે નામના ૭૫ વર્ષના વૃદ્ધ મહિલા કે જેઓ બપોરે સવા બે વાગ્યાના અરસામાં પોતાના ઘેર એકલા હતા, જે દરમિયાન કાળા કલરના રેઇનકોટ તેમજ મોઢે માસ્ક પહેરેલો એક શખ્સ કે જે ડોરબેલ વગાડીને ઘરમાં આવ્યો હતો, અને પોતે જી.ઇ.બી. નો કર્મચારી છે, અને તમારા ઘરનું મીટર ચેક કરવાનું છે. તેમ કહી ફ્લેટ ની અંદર પ્રવેશ્યો હતો. ત્યારબાદ તેણે ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી દઈ વૃદ્ધ મહિલા વિદ્યાલક્ષ્મીબેનને છરી બતાવી ધાક ધમકી આપી હતી, અને તેમણે પહેરેલી સોનાની ૬ બંગડી, તથા સોનાનો ચેન કે જે ઉતારાવી લીધા હતા, અને આઠ તોલા સોનાના દાગીના ની લૂંટ ચલાવી ફરિયાદી મહિલાને તેણીના બેડરૂમમાં પૂરી દઈ દરવાજો બહારથી બંધ કરી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ વિજ્યાલક્ષ્મીબેને પોતાના મોબાઈલ ફોન મારફતે પુત્રી અને જમાઈને ઘેર બોલાવી લીધા હતા. જેઓ ઘેર દોડી આવ્યા પછી દરવાજો ખોલતાં વિજ્યાલક્ષ્મીબેન બહાર આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેથી આ મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને વિદ્યાલક્ષ્મીબેન ની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે લૂંટ નો ગુનો નોંધવામાં આવ્યો હતો. ધોડે દહાડે બનેલી આ લુંટની ઘટનાને લઈને સીટી એ. ડિવિઝન નો સ્ટાફ એલસીબી નો સ્ટાફ વગેરે દોડતો થયો હતો. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા ચોતરફ નાકાબંધી કરાવી દેવાઇ હતી અને એલ.સી.બી.ની ટિમને તાત્કાલિક અસરથી લૂંટારૂને પકડી લેવા માટેની સૂચનાઓ આપી હતી. જેના અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના ઇન્ચાર્જ PI કે.કે.ગોહિલ અને PSI આર.બી.ગોજીયા તથા તેમની સમગ્ર ટીમ દોડતી થઈ હતી, અને સીસીટીવી કેમેરાઓ વગેરે તપાસવાનું શરૂ કર્યું હતું. એલસીબીની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારમાં સીસીટીવીટીના ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, ઉપરાંત ટેકનિકલ સર્વલન્સ તથા ખાનગી બાતમીદારોની મદદ મેળવીને ગણતરીના કલાકોમાંજ લૂંટ ની ઘટનાનો ભેદ ઉકેલ નાખ્યો હતો. મૂળ કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામના વતની અને હાલ ફરિયાદી મહિલા જે એપાર્ટમેન્ટમાં રહે છે, તે જ એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા મયુર નરભેનાથ કંથરાઈ નામના શખ્સને પકડી પાડ્યો હતો, અને તેની પાસેથી રૂપિયા બે લાખ ૯૦ હજારની કિંમતની સોના ની છ નંગ બંગડી અને ૮૫ હજારની કિંમતનો સોનાનો પેન્ડલવાળો ચેઇન સહિત કુલ રૂપિયા પોણા ચાર લાખની કિંમતના સોનાના દાગીના કબજે કરી લીધા હતા, અને આરોપીને સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો હતો. લૂંટની ઘટનાનો ભેદ ગણતરી ના કલાકોમાં જ ઉકેલાઈ જતાં પોલીસ તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો, ઉપરોક્ત આરોપીની વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.લુંટારૂ શખ્સ પર દેણું વધી જતાં પાડોશી મહિલાને જ લૂંટી લેવાનો પ્લાન ઘડ્યો હતોમૂળ જામ રાવલનો વતની અને હાલ જામનગરમાં હેમાલી એપાર્ટમેન્ટમાં પોતાની પત્ની સાથે ભાડેથી રહેતો મયુર નરભેનાથ કંથરાઈ, કે જે નાનું મોટું કન્સ્ટ્રકશનનું કામ રાખે છે, અને હાલ જામનગરની સરકારી વસાહતમાં તેનું કામ ચાલી રહ્યું છે. પરંતુ પોતે આર્થિક સંકટ ભોગવતો હોવાથી પૈસા મેળવવાના ભાગરૂપે તેણે પોતાના જ ફલેટ ની સામે રહેતા પર પ્રાંતિય મહિલા ને લૂંટી લેવાનો પ્લાન ઘડ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.