વેજલપુર શ્રીનંદનગરમા યુવકની લાશ મળી હતી: ત્રિપુરા પોલીસે સ્પાગર્લ સામે મર્ડરનો ગુનો નોંધી કેસ અમદાવાદ પોલીસને સોંપ્યો - At This Time

વેજલપુર શ્રીનંદનગરમા યુવકની લાશ મળી હતી: ત્રિપુરા પોલીસે સ્પાગર્લ સામે મર્ડરનો ગુનો નોંધી કેસ અમદાવાદ પોલીસને સોંપ્યો


અમદાવાદ,તા 7 જુલાઈ 2022,ગુરૂવાર વેજલપુરના શ્રીનંદનગરમાં સ્પામાં કરતી બે સગી બહેનોના ફ્લેટના કીચનમાંથી ત્રિપુરાના યુવકની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ 45 દિવસ અગાઉ મળી હતી. યુવકના પિતાએ પુત્રની હત્યા થયાની આશંકા વ્યક્ત કરતી ફરિયાદ બે સગી બહેનો વિરૂધ્ધ વ્યક્ત કરી હતી. ત્રિપુરા પોલીસે ઝીરો નંબરથી હત્યાનો ગુનો દાખલ કરી કાગળો વેજલપુર પોલીસને મોકલતા બુધવારે ગુનો દાખલ થયો હતો. બનાવની વિગતો મુજબ મૂળ ત્રિપુરાનો રહેવાસી બી ખાસૌહરાઈ ઉર્ફ બીબીસા અમદાવાદમાં છેલ્લા બે વર્ષથી રહેતો હતો. બીબીસા સ્પામાં હાઉસકીપર તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગત તા. 23મી મેના રોજ બીબીસાની લાશ તેની ગર્લ ફ્રેન્ડ લાલહરિયાતપુઈ ઉર્ફ નેન્સીના શ્રી નંદનગર ખાતે આવેલા ભાડાના ફ્લેટના કિચનમાંથી ગળાફાંસો ખાઈ હાલતમાં લટકતી મળી હતી. બીબીસાની લાશ જમીનથી એક જુતાની લંબાઈ જેટલી ઉંચાઈ પર હતી. નેન્સીની બહેન રેમસંગકીમિની ઉર્ફ કિમકિમ અપેટોએ જોઈ હતી. મૃતક ખાસૌહરાઈ ઉર્ફ બીબીસાના ઉં,20 ના પિતાને જાણકારી મળી કે, તેઓનો પુત્ર નેન્સીની પ્રેમ કરતો હતો. બન્ને ગાઢ મિત્રો હતા. જોકે નેન્સી છેલ્લા કેટલાક સમયથી ધનાઢય મુસ્લિમ પરિવારના નબીરાના પ્રેમમાં હતી. ગત તા 22મી મેના રોજ નેન્સીએ તેના આ ખાસ દોસ્ત માટે પોતાના ઘરે પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં મૃતક બીબીસાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જોકે બીબીસાને આ બાબતે જાણકારી મળતા તે નેન્સીના ફ્લેટ પર પહોંચ્યો ત્યારે બન્ને વચ્ચે દલીલો અને તકરાર થઈ હતી. બીજા દિવસે સવારે નેન્સીના કિચનમાંથી બીબીસાનો લટકતો મૃતદેહ મળ્યો હતો. જોકે તેણે મારીને લાશ લટકવામાં આવી હોય તેવું લાગતું હતું. બીબીસાના મૃત્યુ બાદ નેન્સી, તેની બહેન કિમકિમ કે તેમના માતા પિતા ફરિયાદીના પુત્રના મોતનો શોક કરવા મૃતકના ઘરે ગયા ન હતા. આથી મૃતક બીબીસાના પિતા લાલથાગલિયાનાએ ત્રિપુરા પોલીસ સમક્ષ પુત્ર બીબીસાની હત્યાની ફરિયાદ નેન્સી અને તેની બહેન કિમકિમ વિરૂધ્ધ નોંધાવી હતી. સેકટર 1 એડીસીપી રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે, બીબીસાની ડેડબોડી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી હતી.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ હેગિંગથી મોત થયાનું આવ્યું છે. આ કેસ પ્રથમ દ્રષ્ટિએ આઈપીસી 306 (કોઈ વ્યક્તિને મરવા માટે મજબૂર કરવું)નો લાગી રહ્યો છે. ત્રિપુરા પોલીસે હત્યાનો ગુનો ઝીરો નંબરથી દાખલ કરી કેસ વેજલપુર પોલીસને ટ્રાન્સફર કર્યો હોવાથી હત્યાનો ગુનો દાખલ થયો છે. આ મામલે તપાસ કરી આગળની કાર્યવાહી કરીશું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.