વડોદરા કિશનવાડીમાં નુર્મ યોજનાના જર્જરિત થયેલા મકાનો અંગે રજૂઆત થતા દિલ્હીથી સરકાર અને કોર્પોરેશન પાસે જવાબ માંગ્યો
- કિશનવાડીના 93 ટાવરના 3100 મકાન માત્ર દસ વર્ષના ગાળામાં જ તકલાદી બની ગયા છે- મકાનોના સ્લેબમાંથી અવારનવાર પોપડા ખરે છેવડોદરા,તા.6 જુલાઈ 2022,બુધવારવડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વડોદરાના કિશનવાડી નુર્મના આવાસોના બાંધકામમાં ભ્રષ્ટાચાર કરી ઉતરતી ગુણવત્તા વાળા બનાવેલા હોઈ, વારંવાર સ્લેબના ગાબડા લોકો ના માથે પડતા હોવાથી, અટલાદરાના માધવનગર જેવી હોનારત સર્જાય તેવી દહેજત વ્યક્ત કરીને જે રજૂઆત કરવામાં આવી હતી, તે અંગે વડાપ્રધાન કાર્યાલયથી તાત્કાલિક સરકાર અને કોર્પોરેશન કોર્પોરેશન પાસેથી જવાબ માંગ્યો છે.વિશ્વામિત્રી બચાવો સમિતિએ વડાપ્રધાન તારીખ 18 જુને વડોદરા આવે તે પૂર્વે તારીખ 13 ના રોજ પત્ર લખી વડોદરાના કિશનવાડી વિસ્તારમાં બંધાયેલા ૯૩ જેટલા ટાવરોના આશરે ૩૧૦૦ જેટલા આવાસોની હાલત અંગે પત્ર લખી લેખિત જાણકારી આપી હતી. પત્રમાં જણાવાયું હતું કે આ આવાસો બિલકુલ ઉતરતી ગુણવત્તા વાળા બનાવેલા હોઈ માત્ર ૧૦ વર્ષ જેટલા ગાળામાં ખખડધજ બની ગયા છે. રહીશો ઉપર અવારનવાર ઉપરથી સ્લેબના પોપડા પડે છે. જો આમ જ ચાલતું રહેશે તો માધવનગરના આવાસો તૂટી પડવાની જે દુર્ઘટના બનેલી તેવું અહીં પણ થઈ શકે તેવી દહેસત વ્યક્ત કરી હતી. વર્ષ 2013માં માધવ નગરની દુર્ઘટનામાં જેમાં ૧૧ નિર્દોષ લોકોના મોત નીપજેલા હતા આવું ન બને તે માટે તાત્કાલિક પગલા લેવાની માંગ કરી હતી. જેનો આજે પી.એમ.ઓ. કાર્યાલય પરથી જોઇન્ટ સેક્રેટરી, શહેરી વિકાસ મંત્રાલયને પત્ર લખી તપાસ કરીને તાત્કાલિક જાણ કરવા જણાવેલું છે. શહેરી વિકાસના જોઇન્ટ સેક્રેટરીએ એફોર્ડેબલ હાઉસીંગ મિશન, ગાંધીનગર, ગુજરાતને જણાવતા તેઓએ વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનના નોડલ ઓફિસરને તાત્કાલિક જવાબ આપવા જણાવેલું છે. 86 કરોડના ખર્ચે બંધાયેલા આ મકાનના બાંધકામના મટીરીયલની ગુણવત્તાની ચકાસણી કરી, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કોણે કર્યું છે તે પણ તપાસી જોઈ, કસુર વારો સામે પગલાં લેવા તેમજ આ 93 ટાવરો રહેવા લાયક બનાવી આપવા પત્રમાં રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.