મેપ વિલાના ઠગ બિલ્ડર અપૂર્વ પટેલને ભાજપે હોદ્દા પરથી દૂર કર્યો
વડોદરા,તા.6 જુલાઈ 2022,બુધવારમોરબીમાં રવાપરરોડ ખાતે દાઉદી પ્લોટમાં રહેતા દિલાવરસિંહ કરણસિંહ ઝાલાએ મૂળ પાદરાના પરંતુ હાલ ગુજરાત ટ્રેક્ટર કંપની વિશ્વામિત્રીરોડ સામે સમૃધ્ધી બંગલોમાં રહેતા અપૂર્વ દિનેશભાઇ પટેલ અને ભૈરવી અપૂર્વ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી જે ફરિયાદ બાદ ભાજપના બિલ્ડર સામે બીજા પણ ગ્રાહકોએ છેતરપિંડીના આક્ષેપ કર્યા હતા. જેથી ફરાર થઈ ગયેલા બિલ્ડર ને ભાજપે હોદ્દા પરથી દૂર કર્યો છે.વડોદરા જિલ્લાના પાદરા નગરના ભાજપના ઉપપ્રમુખ અને બિલ્ડર અપૂર્વ પટેલ સામે નોંધાવેલી ફરિયાદમાં દિલાવર ભાઈએ જણાવ્યું હતું કે, વડસરમાં મેપલવિલા નામની બંગલાની સ્કીમમાં મેં અને મારા મિત્ર દિવ્યરાજસિંહે એક બંગલો ખરીદ્યો હતો.મારા મિત્ર દિવ્યરાજસિંહને પૈસાની જરૃર હોવાથી બંગલા પર લોન લેવાનું નક્કી કર્યું હતું અને બેંકમાં પ્રોસેસ કરતા બેંકમાંથી જાણવા મળ્યું હતું કે આ બંગલા ઉપર ભૈરવી અપૂર્વ પટેલના નામે લોન લેવામાં આવી છે. ત્યારબાદ દિવ્યરાજસિંહે મારા બંગલા અંગે પણ તપાસ કરાવતા મારા બંગલા પર પણ રિધ્ધી મકવાણા અને આદેશ દેવકુમારના નામે લોન લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.શ્રી સિધ્ધી વિનાયક ડેવલોપર્સના માલિક અપૂર્વ અને તેની પત્ની ભૈરવીએ બંને બંગલા પર અગાઉથી જ લોન લીધી હોવા છતાં તે બંગલાના દસ્તાવેજ કરીને કુલ રૂ.૬૮ લાખ મેળવી લીધા હોવાનું જણાયું હતું. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે સીઆઇડી ક્રાઇમ દ્વારા બિલ્ડર દંપતી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પરંતુ દંપતીનો હજી કોઈ પત્તો નથી.દરમિયાનમાં અપૂર્વ પટેલ સામે છેતરપિંડીના આક્ષેપો થતા વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખે અપૂર્વ પટેલને હોદ્દા પરથી દૂર કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.