વડોદરામા લારીઓની સંખ્યાની સામે કોર્પોરેશનને હજી વહીવટી ચાર્જની વસુલાત ઓછી થાય છે - At This Time

વડોદરામા લારીઓની સંખ્યાની સામે કોર્પોરેશનને હજી વહીવટી ચાર્જની વસુલાત ઓછી થાય છે


- કોર્પોરેશનના અધિકારીઓ ઢીલા પડે છે - દર મહિને વહીવટી ચાર્જની ફિક્સ આવક મળે તે માટે કાર્યવાહી સઘન થશે- લારીઓ વાળાને બાકી વહીવટી ચાર્જ ભરી દેવા સૂચના આપીવડોદરા,તા.5 જુલાઈ 2022,મંગળવારવડોદરા શહેરમાં એક અંદાજ મુજબ 11,600 જેટલી લારીઓ છે. આ લારીઓ વાળા પાસેથી કોર્પોરેશન દર મહિના નો વહીવટી ચાર્જ વસૂલ કરે છે. જોકે જેટલી લારીઓની સંખ્યા છે તેની સામે વહીવટી ચાર્જની વસુલાત થતી નથી. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષના કહેવા મુજબ લારી ગલ્લાઓનો વહીવટી ચાર્જ દરમિયાનની 10 તારીખ સુધીમાં ભરાઈ જવો જોઈએ, અને જેણે નથી ભર્યો તેની પાસેથી ઉઘરાણી કરવા માટે કહેવાયું છે. તેમણે તારીખ 1 એપ્રિલથી 30 જૂન સુધીના આંકડા જાહેર કરતા કહ્યું હતું કે તમામ 19 વોર્ડમાં એપ્રિલમાં 13.09 લાખ, મે મહિનામાં 18.19 લાખ અને જૂન મહિનામાં 23.34 લાખ વહીવટી ચાર્જ ભરાયો છે. ત્રણ મહિનાની વહીવટી ચાર્જની કુલ આવક 54.62 લાખ થઈ છે .આ ત્રણેય મહિનામાં આવક ફિક્સ નથી. એટલે કે જે તે વહીવટી વોર્ડમાં લારી ગલ્લાની સંખ્યા જેટલી હોય તેની સામે આવક પણ દર મહિને સરખી થવી જોઈએ, જે થતી નથી  તેનું કારણ એ કે ઓફિસરો કાચા પડે છે. જોકે અગાઉની સરખામણીએ આવકમાં સુધારો જોવા મળ્યો છે, પરંતુ હજી પણ એપ્રિલથી અત્યાર સુધી વહીવટી ચાર્જ જેણે આપ્યો નથી તેને ભરી દેવા સૂચના આપવા કહ્યું છે. જે તે વોર્ડમાં દર મહિને વહીવટી ચાર્જ માટે જેટલી પાવતી ફાટતી હોય તેટલી બીજે મહિને પણ ફાટવી જ જોઈએ. આ અગાઉ પાલિકાના કર્મચારીઓ લારીવાળાઓને ત્યાં જઈ વહીવટી ચાર્જ લેતા હતા. આ પદ્ધતિ બંધ કરીને હવે વહીવટી વોર્ડની ઓફિસમાં જઈને તારીખ 1 થી 10 સુધીમાં ભરી દેવાની પદ્ધતિ શરૂ કરાતા આવક ધીમી ધીમી વધી રહી છે. હજી પણ જે ઢીલાસ છે તે બંધ કરવામાં આવશે અને તમામ પાસેથી વહીવટી ચાર્જની આવક નિયમિત મળતી રહે તે માટે કાર્યવાહી ચાલુ રખાશે એમ તેમણે જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.