આઈટીના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર કરદાતાઓ માટે એક્સેસ મુશ્કેલ
નવી દિલ્હી, તા.૨ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો સમય આવી ગયો છે ત્યારે કરદાતાઓ ઈ-ફાઈલિંગ પોર્ટલ એક્સેસ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ સંદર્ભમાં આવકવેરા વિભાગે શનિવારે જણાવ્યું હતું કે, ઈ-ફાઈલિંગ પોર્ટલ માટે સોફ્ટવેર પૂરું પાડનાર ઈન્ફોસીસ પોર્ટલ પર 'અનિયમિત ટ્રાફિક' સાથે કામ કરવા માટે 'સક્રિય રીતે કામ' કરી રહી છે.આવકવેરા વિભાગે શનિવારે ટ્વીટ કરીને કહ્યું કે, કરદાતાઓ આઈટીડી ઈ-ફાઈલિંગ પોર્ટલ એક્સેસ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાનું વિભાગના ધ્યાનમાં આવ્યું છે. આ અંગે ઈન્ફોસીસને જાણ કરાઈ છે. તેમણે પોર્ટલ પર અનિયમિત ટ્રાફિક હોવાનું નોંધ્યું છે અને સમસ્યાનો ઉકેલ લાવવા સક્રિય રીતે પગલાં લીધા છે. ઈન્ફોસીસ દ્વારા ઈ-ફાઈલિંગ પોર્ટલ www.incometax.gov.in ૭મી જૂન ૨૦૨૧ના રોજ લોન્ચ કરાયું હતું, પરંતુ કરદાતાઓ અને વ્યાવસાયિકોએ તેના સંચાલનમાં ખામી હોવાનું જણાવ્યું હતું. તાજેતરમાં પોર્ટલ લોન્ચ થયાની પહેલી એનિવર્સરીએ પણ કરદાતાઓએ પોર્ટલ પર મુશ્કેલીનો સામનો કર્યો હતો. અનેક યુઝર્સે પોર્ટલ પર લોગ-ઈન થઈ નહીં શકાતું હોવાની ફરિયાદ કરી હતી. કેટલાક યુઝર્સે 'સર્ચ' ફંક્શનમાં ખામી હોવાનું જણાવ્યું હતું. સરકારે ઈન્ફોસિસને નવું ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ બનાવવા માટે રૂ. ૧૬૪.૫ કરોડ ચૂકવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.