આસામમાં પૂર પ્રકોપઃ પાણીમાં તરી રહી છે લાશો, ગંદુ પાણી પીવા મજબૂર બન્યા લોકો - At This Time

આસામમાં પૂર પ્રકોપઃ પાણીમાં તરી રહી છે લાશો, ગંદુ પાણી પીવા મજબૂર બન્યા લોકો


- પાણીનું વહેણ એટલું તેજ છે કે, તેનાથી કોઈ વ્યક્તિના હાડકાં પણ ભાંગી શકે છે- ટીનનાં છાપરાં કાપીને શક્ય તેટલા વધારે લોકોને બચાવી લેવા પ્રયત્નસિલચર, તા. 30 જૂન 2022, ગુરૂવાર આસામમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ પ્રવર્તી છે. રાજ્યના 22 જિલ્લાઓ પૂરની લપેટમાં આવ્યા છે અને 2,254 ગામ તથા 21 લાખથી પણ વધારે લોકો પૂરનો પ્રકોપ સહન કરી રહ્યા છે. આશરે 2 લાખ જેટલા લોકો બેઘર બન્યા છે અને તેમણે રાજ્ય સરકાર દ્વારા ખોલવામાં આવેલી રાહત શિબિરોમાં આશરો લીધો છે. સિલચર શહેરની વાત કરીએ તો શહેરના બિલપાર વિસ્તારમાં 8-10 ફૂટ પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોની મુશ્કેલીઓમાં ખૂબ જ વધારો થયો છે તથા પાણી એટલા વેગમાં આગળ વધી રહ્યું છે કે, લોકો માટે પાણીમાં ઉભા રહેવું પણ ભયજનક બની રહ્યું છે. મકાનોના પહેલા માળ જળમગ્નઅમુક વિસ્તારોમાં એ હદે તબાહી વ્યાપી છે કે, લોકોના મકાનો ઉપરથી પાણી વહી રહ્યા છે. રાજધાની ગુવાહાટીથી 320 કિમી દૂર આવેલા આશરે 2 લાખ લોકોની વસ્તી ધરાવતા સિલચર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અનેક મકાનોનો પહેલો માળ પાણીમાં ડૂબી ગયો છે. છેલ્લા 10 દિવસથી પૂરના પાણી ફરી વળવાના કારણે જે સ્થિતિ નિર્માણ પામી છે તેમાં લોકોને ખાવા-પીવાની પણ મુશ્કેલી પડી રહી છે. મદદની રાહ જોઈને બેસી રહ્યા છે લોકોશહેરના સધ્ધર ગણાતા વિસ્તારોમાં લોકોની મોંઘી ગાડીઓની છત પરથી પાણી વહી રહ્યા છે અને તેમના પાકાં મકાનોનો પહેલો માળ જળબંબાકાર છે. રાહત અને બચાવ કાર્યમાં નીકળેલા એનડીઆરએફના જવાનો સીટી મારે એટલે લોકો પોતાના ઘરોમાંથી દોરડાથી બાંધેલી થેલીઓ નીચે કરે છે જેથી પીવાનું ચોખ્ખું પાણી મળી શકે અને ખાવા માટે કશુંક મળી રહે. પાણીમાં વહી રહ્યા છે મૃતદેહસોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં જોઈ શકાય છે કે, લાશને પાણીમાં વહાવી દેવામાં આવે છે. ચારે તરફ પાણી ભરાયેલા છે અને સ્મશાનઘાટ પણ સંપૂર્ણપણે ડૂબી ગયા છે જેથી લોકો મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાના બદલે તેને પાણીમાં વહાવી દેવા માટે મજબૂર બન્યા છે. થોડા દિવસ પહેલા એક મહિલાનો મૃતદેહ પાણીમાં તરતો મળી આવ્યો હતો અને બાદમાં સ્થાનિક સ્વયંસેવકોએ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. તે મહિલાના દીકરાએ મૃતદેહની સાથે કથિતરૂપે એવી ચિઠ્ઠી છોડી હતી કે, રંગીરખારી વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયા હોવાથી તે પોતાની માતાના અંતિમ સંસ્કાર નથી કરી શક્યો. આ સાથે જ તેણે માતાના અંતિમ સંસ્કાર કરવા માટે વિનંતી પણ કરેલી હતી. ઘરની બહાર એટલી તીવ્ર ગતિએ પાણી વહી રહ્યું છે કે લોકો બહાર નીકળવાનું જોખમ લઈ શકે તેમ નથી. ગંદુ પાણી પીવા મજબૂર બન્યા લોકોચારે તરફ પૂરના પાણી ફરી વળ્યા હોવાના કારણે પીવાના પાણીની પણ તંગી વ્યાપી છે. લોકો ખોરાક ઉપરાંત પાણી માટે પણ તરસી રહ્યા છે. એનડીઆરએફના જવાનો પીડિતોને રાહતની સાથે દવાની એક નાની શીશીઓ પણ આપે છે. લોકોને 20 લીટર પાણીમાં એક શીશીનું પ્રવાહી ઉમેરીને પાણી સ્વચ્છ કરીને તે પીવા માટે સલાહ આપવામાં આવી રહી છે. પાણીના તેજ પ્રવાહમાં હાડકાં પણ ભાંગી જાયએનડીઆરએફના એક જવાને જણાવ્યું હતું કે, શહેરી વિસ્તાર હોવા છતાં પણ પૂરનો પ્રવાહ એટલો તેજ છે કે, તેમાં ઉભા રહેવાનું પણ મુશ્કેલ બન્યું છે. પાણીનું વહેણ એટલું તેજ છે કે, તેનાથી કોઈ વ્યક્તિના હાડકાં પણ ભાંગી શકે છે. લોકોને છાપરાં કાપીને બચાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 38 વર્ષોમાં બીજી વખત પૂરના કારણે આટલી મોટી હોનારત સર્જાઈ છે અને જે હદે નુકસાન વ્યાપ્યું છે તેમાંથી બહાર આવતા અનેક મહિનાઓ લાગી જશે. લોકોને ઘરમાં રહેલા બીમાર સદસ્યોને દવાખાને લઈ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે અને ઘરમાં પણ મૃત્યુનું જોખમ રહેલું છે અને બહાર નીકળવાથી પણ પૂરમાં તણાઈ જવાનો ભય છે. વધુ વાંચોઃ આ ચોમાસાના આરંભથી જ દસ દિવસથી પાણીમાં ડૂબકાં ખાતા આસામની કોને પડી છે?


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.