વડોદરા શહેરમાં વાહન ચોરી કરતી ગેંગ ફરી સક્રિય: વાહન ચોરીના બનાવોમાં વધારો
વડોદરા,તા.30 જુન 2022,ગુરૂવારવડોદરા શહેરમાં વાહન ઉઠાંતરી કરતી ટોળકી વર્ષોથી સક્રિય છે. તેની ઉપર સદંતર અંકુશ મેળવવામાં પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તેનો પુરાવો શહેરમાં પ્રતિદિન પોલીસ ચોપડે નોંધાતા વાહન ચોરીના ગુનાઓ છે. ગુનાઓના પ્રમાણ સામે ડિટેકશનનું પ્રમાણ ખૂબ ઓછું નજરે ચડે છે. તેવામાં શહેરમાં વધુ ત્રણ વાહન ચોરીની ઘટના સામે આવી છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બાપોદ વુડાના મકાનમાં રહેતા સુનિલભાઈ તડવી ફેબ્રિકેશનનું કામ કરે છે. 5 જૂન ના રોજ તેઓ કમાટીબાગ ફરવા માટે ગયા હતા. જ્યાં ગેટ નંબર બે નજીક પોતાની બાઈક પાર્ક કરી હતી. ત્યારબાદ પાર્ક કરેલી જગ્યાએ બાઈક મળી ન આવતા બાઈક ચોરી સંદર્ભે સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બીજા બનાવવામાં વડસર રોડ ઉપર અક્ષર રેસીડેન્સીમાં રહેતા ભાવેશભાઈ રોહિત ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 18 જુના રોજ તેઓ ફતેહગંજ બ્રિજ નીચે સેવન સીઝ મોલની સામે પોતાની બાઈક પાર્ક કરી બસ મારફતે હાલોલ નોકરી ગયા હતા. પરત ફરતા સમયે પાર્ક કરેલા સ્થળે બાઈક મળી ન આવતા બાઈક ચોરી અંગે ફતેહગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેવી જ રીતે કલાદર્શન ચાર રસ્તા પાસે ઇન્દ્રપ્રસ્થ ડુપ્લેક્સમાં રહેતા વ્રજેશભાઈ શાહ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 20 જૂન ના રોજ તેઓ ઘર પાસેની ખુલ્લી જગ્યામાં પોતાનું સ્કૂટર પાર્ક કરી બસ મારફતે નોકરી ગયા હતા. જ્યાંથી પરત ફરતા પાર્ક કરેલા સ્થળે સ્કૂટર મળી ન આવતા ચોરી અંગે પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.અત્રે નોંધનીય છે કે, વાહન ચોરીના ગુનામાં તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ન ધરાતા તસ્કરોને મોકળું મેદાન મળવાની સાથે અરજદારને તળિયા ઘસવાનો વખત આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.