બિલાડીબાગમાં નવા પમ્પિંગ સ્ટેશન દ્વારા ગંદવાડ ઉલેચવાનું શરૂ - At This Time

બિલાડીબાગમાં નવા પમ્પિંગ સ્ટેશન દ્વારા ગંદવાડ ઉલેચવાનું શરૂ


મહેસાણા,
તા.29મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોમાં છાસવારે ઉભરાતી ગટરો લોકો
માટે માથાના દુખાવા સમાન બને છે. દરમિયાનમાં નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરલાઈનના
ગંદવાડને ઉલેચવાની સાથે આગળ ધપાવવા માટે સ્થાનિક બિલાડી બાગમાં વધુ એક નવું
પમ્પિંગ સ્ટેશન શરૃ કરવામાં આવ્યું છે. જૂના પમ્પિંગ સ્ટેશનની ઈલે.મોટર્સ વારંવાર
બળી જતી હોઈ આસપાસના વિસ્તારોમાં છાસવારે ગટરો ઉભરાઈને રોડ પર ગંદા પાણીની રેલમછેલ
થતી હતી અને લોકો હાલાકીમાં મુકાઈ જતાં હતા. 
નવા પમ્પિંગ સ્ટેશનને બોરવેલના વીજજોડાણ સાથે જોડીને શરૃ કરવામાં આવતાં
ગટરો ઉભરાવાની સમસ્યાઓ ઘટશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતુ.

મહેસાણા નગરના માનવ આશ્રમ રોડ, સોમનાથ રોડ
સહિતના વિસ્તારોની સોસાયટીઓની ભૂગર્ભ ગટરલાઈનના ગંદા પાણીને ખેંચીને ખારી નદીમાં
ધકેલવા માટે અત્રેના બિલાડી બાગમાં ૩૩ એમએલડી કેપેસીટીનું જૂનુ પમ્પિંગ સ્ટેશન
કાર્યરત છે. આ વિસ્તારના વોર્ડ નં.ર અને ૩ માં આશરે પ૦૦ જેટલી  સોસાયટીઓ આવેલી છે. જેના ગટરલાઈનના ગંદા પાણીને
ખેંચવામાં જૂના પમ્પિંગ સ્ટેશનની ઈલે.મોટરો અવારનવાર બળી જતી હતી. જેથી કામ બંધ થઈ
જતાં વિસ્તારમાં ગટરના મેનહોલ,
કુંડીઓ ઉભરાવાની સમસ્યા સર્જાતી રહી હતી. દરમિયાનમાં નગરપાલિકા દ્વારા ૬
એમએલડી કેપેસીટીનું વધુ એક નવું પમ્પિંગ સ્ટેશન શરૃ કરવામાં આવ્યું છે. જેના લીધે
ગટરલાઈનની સફાઈનું કામ સરળતાથી થઈ જશે અને ગટરો ઉભરાવાની સમસ્યા ઘટી જશે તેમ ચીફ
ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું હતુ. તેમણે ઉમેર્યું કે, હાલમાં બિલાડી
બાગમાં બે પમ્પિંગ સ્ટેશન શરૃ કરવામાં આવ્યાં છે. તેમજ પાલિકા દ્વારા બિલાડીબાગ, પરા વિસ્તારમાં
બે નવા પમ્પિંગ સ્ટેશન તથા નેટવર્ક લાઈનના કામ પાછળ રૃ.૩.૩૬ કરોડનો ખર્ચ કરવામાં
આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.