વડોદરા: ભરતીના બહાને બેરોજગારો પાસેથી કોર્પોરેશને ઉઘરાવેલા રૂ.4.73 કરોડ પર વ્યાજની આવક
વડોદરા,તા.28 જુન 2022,મંગળવારવડોદરા કોર્પોરેશન દ્વારા છેલ્લા દસ વર્ષમાં અનેક વખત વિવિધ વિભાગો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અસંખ્ય બેરોજગારોએ રસ દાખવી ફી ના નાણાં જમા કરાવ્યા હતા. પરંતુ કોર્પોરેશન દ્વારા ઉમેદવારોની ભરતી નહીં કરી 4.73 કરોડની માતબર ફી ની જમા કરી બેઠું હોવાની વિગતો સામે આવી છે. જેથી સામાજિક કાર્યકર્તાએ કોર્પોરેશન વિરુદ્ધ લાલઆંખ કરી ભરતી કરો અથવા બેરોજગારોના નાણાં પરત કરવાની માંગ કરી છે.આરટીઆઇ એક્ટિવિસ્ટ અતુલ ગામેચીને વડોદરા કોર્પોરેશન તરફથી માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળ માહિતી આપવામાં આવી હતી કે, છેલ્લા દસ વર્ષમાં 4.73 કરોડ રૂપિયા ભરતીના જમા છે. આધારભૂત માહિતી અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં કોઈપણ પ્રકારની ભરતી કરવામાં આવી નથી. એક તરફ ગુજરાતના યુવાઓ રોજગારી માટે ભટકી રહ્યા છે. તો બીજી તરફ કોર્પોરેશનમાં ભરતી નહીં કરી બેરોજગાર યુવાનોને અન્યાય થઈ રહ્યા છે. કોર્પોરેશનને 4,73,18,000 જેટલી રકમનું વ્યાજ મળી રહ્યું છે. આમ, બેરોજગાર યુવાઓના નાણા વડોદરા કોર્પોરેશન પોતાના અંગત માટે ખર્ચ કરી રહ્યું હોય તેવું જણાય છે.જેથી ભરતી ન કરવી હોય તો તમામ નાણા બેરોજગાર યુવાનોને પરત આપવા જોઈએ.અથવા વહેલી તકે ભરતી પ્રક્રિયા કરવાની માંગ છે. સાથે માહિતી અધિકાર હેઠળ કઈ ભરતીમાં કેટલા બેરોજગાર યુવાનોએ ફોર્મ ભર્યા, કેટલી ફી વસૂલી તેની વિગતો આપવામાં આવી નથી. અત્રે નોંધનીય છે કે, સૌથી વધુ રકમ 03.08 કરોડ 2020-21ની ભરતી પ્રક્રિયા દરમિયાન કોર્પોરેશનમાં જમા થઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.