પ્રવિણ રાઉત પર વોચ હતી તે દરમિયાન પણ તેણે સુરત કોલ કરી ખંડણી માંગી હતી - At This Time

પ્રવિણ રાઉત પર વોચ હતી તે દરમિયાન પણ તેણે સુરત કોલ કરી ખંડણી માંગી હતી


- ભેસ્તાન જીઆવ રોડના જમીન દલાલની રેકી કરાવી રૂ.5 લાખ માંગ્યા હતા : ડરી ગયેલો દલાલ છુપાતો ફરતો હતો - પ્રવિણ રાઉત ઉધનાના કુખ્યાત બુટલેગર કાલુ પાસે દર મહિને રૂ.1 લાખ હપ્તો લેતો હોય તેની હત્યા બાદ તેના ભાઈ પાસે પણ છેલ્લા પાંચ મહિનાથી હપ્તો લેવા માંડયો હતો સુરત, : સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચ OPERATION GHOST હેઠળ જયારે અઠવાડીયા અગાઉ બિહારમાં પ્રવિણ રાઉતની વોચમાં હતી ત્યારે પણ તેણે સુરતમાં ભેસ્તાન જીઆવ રોડના જમીન દલાલને ફોન કરી ખંડણી માંગી ધમકી આપતા દલાલ ગભરાઈને સંતાતો ફરતો હતો.એટલું જ નહીં પ્રવિણ રાઉત ઉધનાના કુખ્યાત બુટલેગર કાલુ પાસે દર મહિને રૂ.1 લાખ હપ્તો લેતો હોય તેની હત્યા બાદ તેના ભાઈ પાસે પણ છેલ્લા પાંચ મહિનાથી હપ્તો લેવા માંડયો હતો. ગત મહિને તે હપ્તો આપી નહીં શકતા પ્રવિણે તેને પણ ધમકી આપી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બિહારમાં આઠ દિવસ ધામા નાંખી બિહાર એસટીએફની મદદથી પ્રવિણ રાઉતને ઝડપી પાડી ત્યાંથી સુરક્ષીત સ્થળે લઈ ગયા બાદ સુરત લાવી હતી. ગત જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ઉધના હરીઈચ્છા ઈન્ડસ્ટ્રીયલમાં પાંડેસરાના બુટલેગર રાજેશ ઉર્ફે રાજુ વાંકોડે પુંડલીક વાંકોડે પર થયેલું ફાયરીંગ પણ પ્રવિણે કરાવ્યું હોય ક્રાઈમ બ્રાન્ચે પ્રવિણનો કબજો ઉધના પોલીસને સોંપ્યો હતો.આ તરફ ઉધના પોલીસે ગતરાત્રે પ્રવિણ રાઉત વિરુદ્ધ ખંડણીનો વધુ એક ગુનો નોંધ્યો હતો. ઉધના ભીમનગરમાં દારૂનો અડ્ડો ચલાવતા અને જેની હત્યામાં પ્રવિણ રાઉત પણ સામેલ હોવાની ચર્ચા હતી તે કુખ્યાત બુટલેગર કાલુના મોટાભાઈ સુરેશ નામદેવ નિકમ ( ઉ.વ.46, રહે. બિલ્ડીંગ નં.35, રૂમ નં.4, ગ્રાઉન્ડ ફલોર, ભીમનગર આવાસ, રેલ્વે ટ્રેક પાસે, ઉધના, સુરત. મુળ રહેવા.મહારાષ્ટ્ર ) એ ફરિયાદ નોંધાવી હતી કે પાંચ મહિના અગાઉ પ્રવિણે તેને જુદાજુદા નંબર પરથી ફોન કરી ધમકી આપી હતી કે તેરા ભાઈ કાલુ મુજે હર મહિને રૂ.1 લાખ કા હપ્તા દેતા થા.તુજે ભી દેના પડેગા. ઓર નહીં દીયા તો ગોલી મારૂંગા. સુરેશે આટલી મોટી રકમ આપવા અસમર્થતા વ્યકત કરતા પ્રવિણે તેને કાલુ પાસે મોકલવાની ધમકી આપી હતી.આથી તે દર મહિને પ્રવિણના કહ્યા મુજબ ભેસ્તાન આવાસ દિપક જાધવની કેબલની ઓફીસમાં રૂ.1 લાખ આપી દેતો હતો.જે પ્રવિણના બે માણસો આવીને લઈ જતા હતા. પાંચ મહિના સુધી હપ્તો આપ્યા બાદ છેલ્લા મહિને તે હપ્તો આપી નહીં શકતા પ્રવિણે સુરેશને અપહરણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.પ્રવિણ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ગતસાંજે ખંડણીની એક ફરિયાદ નોંધાઈ હતી.મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં ભેસ્તાન જીઆવ રોડ આકાશ પૃથ્વી એપાર્ટમેન્ટ એ-4/206 માં રહેતા 33 વર્ષીય જમીન દલાલ સંજીવસિંગ ઉર્ફ ચંચલસિંગ સુરેન્દ્રબહાદુર સિંગની શ્યામલાલ ઉર્ફે હરિ પાસે રેકી કરાવ્યા બાદ પ્રવિણે પોતાના અને સંજીવસિંગના કોમન મિત્ર ધર્મેન્દ્ર ઉર્ફે ધમુ બીગુનાથ યાદવ ( રહે.ત્રિવેણી સોસાયટી, અખંડ આનંદ કોલેજની સામે, વેડરોડ, સુરત ) ને ફોન કરી કોન્ફરન્સમાં વાત કરી સંજીવસિંગ પાસે રૂ.5 લાખની ખંડણી માંગી હતી.જોકે, સંજીવસિંગે પૈસા આપ્યા નહોતા.આથી અઠવાડીયા અગાઉ ક્રાઈમ બ્રાન્ચ OPERATION GHOST હેઠળ જયારે બિહારમાં પ્રવિણ રાઉતની વોચમાં હતી ત્યારે પણ તેણે રૂ.5 લાખની ખંડણી માંગી ધમકી આપતા સંજીવસિંગ ગભરાઈને સંતાતો ફરતો હતો.ગતરોજ તેને પ્રવિણ ઝડપાયાની જાણ થતા તે પોલીસમાં ફરિયાદ કરવા આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.