નશા મુક્તિ અભિયાન અંતર્ગત 12 ટન ગાંજો સળગાવીને વીજળી ઉત્પન્ન કરાઈ - At This Time

નશા મુક્તિ અભિયાન અંતર્ગત 12 ટન ગાંજો સળગાવીને વીજળી ઉત્પન્ન કરાઈ


બિલાસપુર, તા. 25 જૂન 2022, શનિવારછત્તીસગઢમાં નશા વિરોધી અભિયાન અંતર્ગત એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં 12 ટન ગાંજો સળગાવીને વીજળી ઉત્પન્ન કરવામાં આવી હતી. હકીકતમાં બિલાસપુર પોલીસ રેન્જના પોલીસ સ્ટેશનોમાં નશા મુક્તિ અભિયાન અંતર્ગત જપ્ત કરાયેલા 12 ટન ગાંજાને પાવર પ્લાન્ટની ભઠ્ઠીમાં શુક્રવારે નાખીને નાશ કર્યો હતો. જેમાંથી 5 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું છે. દેશમાં નાર્કોટિક્સ સળગાવીને વીજળી ઉત્પાદનનો આ એક અનોખો કિસ્સો છે.  બિલાસપુર પોલીસ રેન્જના આઈજી રતનલાલ ડાંગીએ જણાવ્યું હતું કે, 12થી 26 જૂન સુધી નશા મુક્તિ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશાના ડીલરો સામેની કાર્યવાહી દરમિયાન ગાંજાના મોટા જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો. નશીલા પદાર્થ જપ્ત કરવા માટે ડ્રગ ડિસ્પોઝલ કમિટીની બનાવવામાં આવી હતી. કમિટીએ નશીલા પદાર્થોની યાદી તૈયાર કરી તેનો પાવર પ્લાન્ટમાં ડિસ્પોઝ કરવાનો નિર્ણય લેવાયો હતો જેથી તેનો ઉપયોગ વીજળી તરીકે કરી શકાય.જાણકારી અનુસાર, બિલાસપુર રેન્જના તમામ પોલીસ સ્ટેશનોમાં જપ્તીના 553 કેસમાં 12.767 ટન ગાંજો, 13 નંગ છોડ, 8380 નંગ ટેબલેટ, 11,220 નંગ કફ સિરપ, 897 નંગ કેપ્સ્યુલ અને 222 નંગ ઈન્જેક્શનનો પાવર પ્લાન્ટની ભઠ્ઠીમાં નાશ કરવામાં આવ્યો હતો. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.