મધ્યપ્રદેશમાં વીજળી પડવાથી પાંચનાં મોત, આસામમાં વધુ સાતે જીવ ગુમાવ્યો
મધ્યપ્રદેશમાં અલગ અલગ સ્થળોએ વીજળી પડવાથી પાંચ લોકોનાં મોત થયા હતા. ચારને ઈજા પહોંચી હતી. એમાંથી ત્રણની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આસામમાં પૂરપ્રકોપથી વધુ સાત લોકોએ જીવ ગુમાવ્યો હતો.મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં વીજળી પડવાના બનાવો બન્યા હતા. છીંદવાડા અને સીઓની જિલ્લામાં વીજળી પડવાથી પાંચ લોકોનાં મોત થયા હતા. ચારને ગંભીર ઈજા પહોંચી હતી. હવામાન વિભાગે મધ્યપ્રદેશમાં યલ્લો એલર્ટ જારી કર્યો હતો.આસામમાં પૂરપ્રકોપ યથાવત છે. ૩૨ જિલ્લાના અસંખ્ય ગામડાં જળબંબાકાર થઈ ગયા છે. ૫૫ લાખ લોકો આ પૂરપ્રકોપથી અસરગ્રસ્ત બન્યા છે. રાજ્યમાં વધુ સાતનાં મોત થયા હતા અને કુલ મૃત્યુ આંક ૧૦૦ને પાર પહોંચી ગયો હતો. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમે ૧૫ હજાર લોકોને ડૂબતા બચાવ્યા હતા. રાજ્યમાં ૨૭૫ બોટની મદદથી બચાવ-રાહત કામગીરી ચાલી રહી છે. હવામાન વિભાગે કેરળ, કર્ણાટક, ગોવા, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. દિલ્હીમાં વરસાદી ઝાપટાં પડયા હતા. બીજી તરફ જમ્મુ-શ્રીનગર હાઈવે ભૂસ્ખલનના કારણે બંધ થઈ જતાં અસંખ્ય વાહનો અટવાઈ ગયા હતા. ૨૭૦ કિલોમીટર લાંબાં રસ્તાને ફરીથી ચાલુ કરવાના પ્રયાસો શરૃ કરાયા હતા. મોટા પથ્થરોને રસ્તામાંથી હટાવવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કરવો પડયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.