SBI બેંકમાં પોલીસ જવાન પર ફાયરિંગ કરનાર ગાર્ડ પકડાયો - At This Time

SBI બેંકમાં પોલીસ જવાન પર ફાયરિંગ કરનાર ગાર્ડ પકડાયો


અમદાવાદ,તા.21 જુન 2022,સોમવારસરદારનગરની મહારથી સોસાયટી પાસે આવેલી એસબીઆઈ બેંકની એરપોર્ટ બ્રાંચમાં સોમવારે બપોરે ઉશ્કેરાયેલા ગાર્ડે ફાયરિંગ કર્યું હતું. જો કે, બેંકની મહિલા કર્મચારીને ગોળી માથાના ભાગે ઘસાઈને નીકળી ગઈ હતી. ગાર્ડે બીજીવાર ફાયરિંગનો પ્રયાસ કરતા પોલીસ જવાને ગન પકડીને બેરલ નીચે જમીન પર તરફ કરી દીધી હતી. આરોપીએ પોલીસ જવાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બેંકના કર્મચારીઓએ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. એરપોર્ટ પોલીસે આરોપી વિરૃદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ પોલીસ જવાન પાંચ વર્ષની બાળકીને ખુરશીમાં બેસાડી બેંકમાં કામ અર્થે લાઈનમાં ઉભા હતા. બાળકીને ખુરશીમાં બેઠેલી જોઈ આરોપી ગાર્ડે ઉશ્કેરાઈ જેમ ફાવે તેમ બોલવાનું શરૂ કરી પોલીસ જવાન સાથે ઝપાઝપી કરી હતી.મહિલાને ગોળી માથાના ભાગે ઘસાઈ નીકળી ગઈઃ બાળકીને ખુરશીમાં જોઈ ગાર્ડે ઝઘડો કર્યો  એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાન રાજેન્દ્રકુમાર વિરાભાઈ પ્રજાપતિ (ઉં,42)નાઓ ઓફ ડયૂટી હોવાથી પોતાની નાની પુત્રીને લઈને સરદારનગર મહારથી સોસાયટી પાસે આવેલી એસબીઆઈ બેંકમાં ગયા હતા.બેંકમાં લાઈન હોવાથી રાજેન્દ્રકુમારે બાળકીને ગાર્ડની ખુરશીમાં બેસાડી અને પોતે લાઈનમાં ઉભા રહ્યા હતા. તે સમયે બેંકનો ગાર્ડ કમ્મોદસિંહ બાળકીને ખુરશીમાં જોઈ ઉશ્કેરાયો અને જોરજોરથી તેની પર બૂમો પાડવા લાગ્યો હતા. માસૂમ પુત્રીને આ રીતે ધમકાવી રહેલા ગાર્ડને રાજેન્દ્રકુમારે સમજાવવા પ્રયાસ કર્યો હતો. જો કે, આરોપીએ એલફેલ બોલવાનું શરૃ કરી રાજેન્દ્રકુમાર સાથે ઝપાઝપી કરી હતી. બેંકના સ્ટાફે આરોપી કમ્મોદસિંહને સમજાવીને મામલો શાંત પાડયો હતો. કમ્મોદસિંહે અચાનક પોતાની બંદૂકમાંથી રાજેન્દ્રકુમારને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું જો કે, ગોળી બેંકમાં હાજર એજન્સીની મહિલા કર્મચારી સુમનબહેનને વાગી હતી. રાજેન્દ્રકુમારે દોડીને બીજું ફાયરિંગ કરવાનો પ્રયાસ કરનાર કમ્મોદસિંહની બંદૂકની બેરલ પકડીને જમીન તરફ કરી દીધી હતી. કમ્મોદસિંહે પણ રાજેન્દ્રકુમારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા જણાવ્યું હતું કે, એક કો મારો યા દો કો સજા તો વહી હોંગી તેમ કહ્યું હતું. જો કે, બનાવને પગલે ઈજાગ્રસ્ત સુમનબહેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં સુમનબહેનને ડાબા કાનના ઉપર માથાના ભાગે ઘસાઈને ગોળી નીકળી ગી હોવાથી ગંભીર ઈજા થઈ ન હતી. એરપોર્ટ પોલીસની ટીમે સ્થળ પર જઈ આરોપી કમ્મોદસિંગ અમૃતસિંગ પરીહાર રહે, વૈશાલી ફલેટ બાપુનગરને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી વિરૃદ્ધ હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ આરોપી ગાર્ડને રોજ કોઈની એક જણ સાથે તકરાર થતી રહેતી હતી. રાજેન્દ્રકુમાર સાથે પણ તેણે સામાન્ય બાબતે તકરાર કરીને ફાયરિંગ કરી દીધું હતું.વધુ વાંચો: SBIની એરપોર્ટ બ્રાન્ચમાં ગ્રાહક સાથે તકરાર થતા ગાર્ડે કર્યું ફાયરિંગ, મહિલા કર્મચારીને ગોળી વાગી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.