ડભોઇના તોલમાપ નિરીક્ષકને તેની માતા અને પરિવારજનોએ કારમાં આંતરી ઉઠાવી ગયા - At This Time

ડભોઇના તોલમાપ નિરીક્ષકને તેની માતા અને પરિવારજનોએ કારમાં આંતરી ઉઠાવી ગયા


વડોદરા,તા.21 જુન 2022,મંગળવારવડોદરા નજીક ડભોઇ ખાતે તોલમાપ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા કર્મચારીને ઘરેલું ઝઘડામાં તેની માતા તેમજ અન્ય કુટુંબીજનોએ કારમાં આંતરીને જબરદસ્તી ઉઠાવી ગયા હોવાનો બનાવ બનતા પોલીસે પાંચ જણા સામે ગુનો નોંધ્યો છે.વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે તલાવપુરા ટેકરા ખાતે રહેતા મૂળ કપિલ સોસાયટી મહેસાણાના વતની જગદીશ ઠાકોરે પોલીસને કહ્યું છે કે, ગઈ તા ૧૧ મી એ હું મારી કાર લઇ વડોદરાના કરોળિયા વિસ્તારમાં રહેતા મારા મિત્રને ઘેર બે દિવસ રોકાયો હતો.તા 13 ના રોજ હું ડભોઇ જઈ રહ્યો હતો ત્યારે નવાયાર્ડ ફૂલવાડી ચાર રસ્તાથી કેનાલ જવાના રોડ પર મારી કારની પાછળથી આવેલી એક કારે ઓવરટેક કરી મને રોક્યો હતો. કારમાંથી મારી માતા વિજયાબેન, મામાનો દીકરો બાબર ઠાકોર તેમજ તેનો પુત્ર રાહુલ બાબરભાઈ નીચે ઉતર્યા હતા.જગદીશ ઠાકોરે પોલીસને કહ્યું છે કે, મેં મારી કાર રિવર્સમાં લેતા ડિવાઈડર પર ચઢી ગઇ હતી અને બંધ પડી હતી. જે દરમિયાન મારી માતાને અન્ય લોકો મારી પાસે આવી ગયા હતા. મારી માતાએ બે વર્ષથી ઘેર કેમ આવતો નથી એમ કહી ગાળો ભાંડી હતી. જેથી મેં કહ્યું હતું કે, મારી પત્નીએ ભરણપોષણનો કેસ કર્યો હોવાથી હું આવતો નથી.ત્યારબાદ તે લોકોએ મને કારમાંથી બહાર ખેંચી કાઢી તેમની કારમાં મને વતનમાં લઈ ગયા હતા. ઉપરોકત બનાવ બાદ મારા મામાના દીકરાએ મારી કાર મહેસાણા મંગાવી હતી જેમાં મુકેલો સામાન યથાવત હતો.દરમિયાનમાં તા.14મીએ મારી પત્ની સાથે ઝઘડો થતાં હું ઉઘાડા પગે ઘરમાંથી ભાગી ડભોઈ આવી ગયો હતો. ઉપરોક્ત ફરિયાદને આધારે પોલીસે કર્મચારીના માતા, મામાના દીકરા, તેમના પુત્ર, કારચાલક અને રાહુલના મિત્ર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.