મુનપુર કોલેજમાં ઉમાશંકર જોષીની જયંતિ ઉજવવામાં આવી
આજ તા. 21/07/2023 ને શુક્રવારના રોજ અત્રેની કોલેજમાં આદરણીય આચાર્યશ્રી ડૉ. એમ. કે. મહેતા સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનથી ગાંધીયુગના મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોષીની જયંતિ નિમિત્તે મહીસાગર જિલ્લાના પ્રસિદ્ધ કવિ-લેખક શ્રી નરેન્દ્રભાઈ જોષીનું વ્યાખ્યાનવિશેષ યોજાયુ.
કાર્યક્રમની શરૂઆતમાં સૌ પ્રથમ મુખ્ય વક્તા શ્રી નરેન્દ્રભાઇ જોષી સાહેબનું સૂતરની આંટી અને પુસ્તક અર્પણ કરીને ગુજરાતી વિભાગના પ્રા. જે. એલ.ખાંટ સાહેબે ભાવભીનું સ્વાગત કર્યું.
ત્યારબાદ ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. હર્ષદાબેન શાહે મુખ્ય વક્તા શ્રી નરેન્દ્રભાઈ જોષીનો પરિચય આપવાની સાથે સાથે ઉમાશંકર જોષીના વ્યક્તિત્વ અને કર્તૃત્વ, એમના કાવ્યસંગ્રહ - 'ગંગોત્રી' અને 'પ્રાચીના' તથા 'મહાપ્રસ્થાન' માં રચાયેલા પદ્યરૂપકો, 'સાપના ભારા' એકાંકીનું ગ્રામવિશ્વ વગેરે અંગે રોચક વાત કરી વ્યાખ્યાનની સુંદર ભૂમિકા બાંધી આપી.
ત્યારબાદ મુખ્ય વક્તા શ્રી નરેન્દ્રભાઇ જોષીએ ઉમાશંકરના વ્યક્તિત્વ અને કર્તૃત્વની વિશિષ્ટ વાતો કરી. આ ઉપરાંત એમની કવિતામાં ગરીબ, પીડિત, શોષિત, દલિત, વંચિત પ્રત્યે પ્રગટ થતો સમભાવ, ગાંધીયુગના કવિ - યુગદૃષ્ટા અને નીડર વ્યક્તિત્વ એવા ઉમાશંકર વિશે તથા તેઓની કવિતા દ્વારા પ્રગટ થતી 'વિશ્વમાનવી'ની વિભાવના પણ સ્પષ્ટ કરી. તો વળી ગામમાંથી ગીત લઈને નીકળેલા કવિ ઉમાશંકર - એ ગીતને ક્યાં ક્યાં લઈ જાય છે અને કેવી કેવી અર્થચ્છાયાઓ પ્રગટ કરે છે એની સુંદર વાત કરી. શ્રી નરેન્દ્રભાઈએ 'સૌંદર્ય પી ઉરઝરણ ગાશે પછી આપમેળે' ના કવિ ઉમાશંકરની કવિતાના ઉન્મેષ રજૂ કર્યા. ઉત્તમ કેળવણીકાર, સ્પષ્ટ વક્તા ,ઉત્તમ સર્જક, યુગદૃષ્ટા, યુગપ્રવર્તક એવા ઉમાશંકર જોષીની એમના સમગ્ર કાવ્યસર્જન દ્વારા છબી ઉપસાવીને સાચા અર્થમાં જ્ઞાનપીઠ પુરસ્કૃત ઉમાશંકર જોષીને તેમના જ શબ્દપુષ્પો થકી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
મિત્રો, આ ક્ષણે મને કહેવાનું મન થાય કે -
जयन्ति ते सुकृतिनो रससिद्धा: कवीश्वरा: ।
नास्ति येषां यश: काये जरामरणजं भयम् ।।
કોઈપણ સર્જક (ઉત્તમ સર્જન કરનાર રસસિદ્ધ કવિ) ક્યારેય મૃત્યુ પામતો નથી, તેના યશરૂપી (કાવ્યસર્જનથી પ્રાપ્ત થતો યશ) શરીરને વૃદ્ધાવસ્થા કે મૃત્યુનો ભય રહેતો નથી..
કાર્યક્રમના મુખ્ય વક્તવ્ય બાદ કોલેજના સેમ-3 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ - માલીવાડ કિશોરકુમાર ખુમાભાઇ અને ડામોર નિરુબેન પર્વતભાઈએ ક્રમશઃ ઉમાશંકર જોષીના કાવ્યો 'જઠરાગ્નિ' અને 'ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા' કાવ્યનું સુંદર ભાવવાહી પઠન કર્યું.
અંતમાં કાર્યક્રમની આભારવિધિ સેમ-5 ની વિદ્યાર્થિની સેવક વૈભવીએ સંપન્ન કરી.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.