શ્રી સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા"નો જિલ્લા કલેકટરશ્રીના શુભહસ્તે પ્રારંભ - 1955 થી યોજાય છે લોકસંસ્કૃતિ,અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમો - At This Time

શ્રી સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા”નો જિલ્લા કલેકટરશ્રીના શુભહસ્તે પ્રારંભ —— 1955 થી યોજાય છે લોકસંસ્કૃતિ,અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમો


"શ્રી સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા"નો જિલ્લા કલેકટરશ્રીના શુભહસ્તે પ્રારંભ
------
1955 થી યોજાય છે લોકસંસ્કૃતિ,અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમો
"સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો"
------
મુલાકાતીઓ માટે સુરક્ષા અને સુલભતા સાથે ઊભી કરાય છે સાત્વિક આનંદની તમામ વ્યવસ્થાઓ

સોમનાથ, તા.11/11/2024, મંગળવાર,

વર્ષ ૧૯૫૫ થી યોજાતો સોમનાથનો પારંપરિક "કાર્તિકી પૂર્ણિમા મેળો" આ વર્ષે તા.11-11-2024 થી 15-11-2024 સુધી યોજાયો છે. આજરોજ તા.11 નવેમ્બરના રોજ માન.જિલ્લા કલેકટરશ્રી ડી.ડી જાડેજા સાહેબના શુભ હસ્તે અને ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે.ડી પરમાર સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા, અધિક કલેકટર શ્રી રાજેશ આલ, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબેન જાની, પ્રદેશ ભાજપ મંત્રીશ્રી શ્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, સહિતના રાજકીય અને સમાજિક અગ્રણીઓ તેમજ વિવિધ સમાજના મોભી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્તિકી પૂર્ણિમાનું મહાત્મ્ય:
સ્થાનિક જાણકારોનું કેહવુ છે કે સોમનાથ જ્યોતિર્લિંગના આદ્યસ્થાપક ચંદ્રદેવ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ સોમનાથ જ્યોતિર્લિંગના શિખર પર આવે છે અને પોતાનો શીતળ પ્રકાશ વરસાવે છે. જેને અમૃતવર્ષા યોગ પણ કહેવામાં આવે છે. આ વિશેષ દિવસે ખગોળીય સંયોગમાં મધ્ય રાત્રિએ ચંદ્રદેવ સોમનાથ મંદિરના શિખરના કેન્દ્ર પર આવે છે, મહાદેવની ધ્વજા અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક સીધી હરોળમાં આવે છે.

મેળાના વિવિધ આકર્ષણ:
કાર્તિકી પુર્ણીમા મેળો-2024 સોમનાથ બાયપાસ સમીપ ટ્રસ્ટના સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાશે. મેળામાં મનોરંજનના સાધનો, ખાણી-પીણીના સ્ટોલ, બાળકો માટે રમકડાં, તેમજ અન્ય વેચાણ સ્ટોલ, ઇન્ડેક્ષ-સી વિભાગના હસ્તકલા અને ગૃહઉદ્યોગની ગેલેરી, જેલના કેદીઓના ભજીયાનો સ્ટોલ, આકર્ષક સેલ્ફી પોઇન્ટસ, સોમનાથ @70 ચિત્ર પ્રદર્શની, સાથેજ પ્રતિદિન ગુજરાતી લોકસાહિત્યના શીર્ષના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મેળો દરમ્યાન દર્શનના સમયમાં વધારો:
કાર્તિકી પૂર્ણિમાના મેળાના 05 દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે 11:00 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે 01:00 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. પૂર્ણિમાની મધ્યરાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવશે.

ભક્તોમાં કાર્તિકી પૂર્ણિમાએ વિશેષ ઉત્સાહ:
સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયો છે. ત્યારે મેળાના ભવ્ય અને સુલભ આયોજનમાં જરૂરી સહયોગ કરવા માટે જાહેર જનતાને શ્રી સોમનાથ ટ્રસ્ટ,જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવે છે. મેળામાં આવનાર માનવ મેદનીને ધ્યાને રાખીને 2 વ્હીલર, રિક્ષા, અને 4 વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે.

સેહલાણીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા:
આ ઉપરાંત મેળા ગ્રાઉન્ડમાં સીસીટીવી સીસ્ટમ લગાવવામાં આવી છે. વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ફાયર સેફ્ટી માટે તમામ જગ્યાએ ફાયર એકસ્ટીંગ્યુસર બોટલની વ્યવસ્થા તેમજ સ્ટેન્ડબાય ફાયર ટેન્ડર ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળામાં ઈલેકટ્રીક સપ્લાય માટે 4 વિશાળ ક્ષમતા વાળા સ્ટેન્ડબાય જનરેટરની વ્યવસ્થા કરાઇ છે. મેળા કાર્યાલય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજમાં પબ્લીક એડ્રેસ સીસ્ટમ ઊભી કરવામાં આવી છે. જેથી માઇક દ્વારા જન સંપર્ક સરળ અને અસરકારક બની શકે. મેળામાં બંદોબસ્ત અને દેખરેખ માટે પોલીસ વૉચટાવર, પોલીસ કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરાઇ છે. ઈમરજન્સીના કેસમાં મેળાની ફરતે વ્હીકલ લઈ જઈ શકાય તે માટે પહોળો રસ્તો તૈયાર કરાયો છે.

મેળામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ છે, તેમજ સ્ત્રીઓ તથા પુરૂષો માટે અલગ અલગ પોઇન્ટ પર યુરીનલની વ્યવસ્થા કરવામાં આવી છે.

લોકોને મળશે ઓનલાઈન લાભ:
દેશ-વિદેશના ભક્તો શ્રી સોમનાથ મંદિર ના ઓફિશિયલ મીડીયા પ્લેટફોર્મ ફેસબુક, યુટ્યુબના માધ્યમો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળી શકશે. સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા લોકો માટે લોકસાહિત્ય, સંગીત અને ભજનો કલાસંગમની ત્રિવેણી રચાશે.

આમ, સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પધારતા લોકોને સુરક્ષિત, સુલભ અને આનંદસભર વાતાવરણ મળે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર તેમજ નગર સેવા સદનના સહયોગથી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જેથી મેળામા સેહલાણીઓને કોઈપણ તકલીફ ન પડે. મેળા દરમિયાન ફરજ પરના કર્મચારીઓને સહયોગ કરવા યાત્રિકોને અનુરોધ કરવામાં આવે છે.

જનરલ મેનેજર
શ્રી સોમનાથ ટ્રસ્ટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.