હીરાસર નજીક ડમ્પરે બાઈકને હડફેટ લીધું, એરપોર્ટના બે કર્મચારીના કમકમાટીભર્યા મોત - At This Time

હીરાસર નજીક ડમ્પરે બાઈકને હડફેટ લીધું, એરપોર્ટના બે કર્મચારીના કમકમાટીભર્યા મોત


હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક એરપોર્ટનો રોડ અને હાઇવે રોડ જ્યાં ભેગા થાય છે ત્યાં ગત રાત્રે ડમ્પરે બાઇકને હડફેટે લેતા એરપોર્ટના બે કોન્ટ્રાકટ કર્મચારીઓનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બેના મોતથી ચકચાર મચી હતી. બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસની ટીમ દોડી ગઈ હતી.
આ અંગે એરપોર્ટ પોલીસના પીઆઈ મહેન્દ્રસિંહ ઝણકાટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.કે. રાઠોડ તેમના સ્ટાફ સાથે દોડી ગયા હતા અને મૃતદેહો પીએમ અર્થે કુવાડવાના સામુહિક અરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયા હતા. તેમજ અકસ્માત સર્જનાર જીજે 03 - એએક્સ - 8924 ડમ્પરના ચાલક ઉપર ગુનો દાખલ કર્યો હતો. બનાવની વિગત મુજબ, ગઈકાલે રાત્રે 8 વાગ્યા આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. જીજે 03 એનઈ 2874 નંબરનું ડબલસવારી બાઇક રાજકોટ તરફથી આવી ઇન્ટરનેશનલ એરપોર્ટ જવા માટે રોડ ક્રોસ કરતા હતા. તે સમયે પૂરઝડપે ધસી આવેલા ડમ્પરે બાઇકને ઠોકરે ચડાવ્યું હતું. બંને યુવાન બાઇક પરથી ફંગોળાઇને રોડ પર પટકાતાં મોત નીપજ્યું હતું.
અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થતા એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. અકસ્માતમાં ડમ્પર નીચે ચગદાઈ જતા બાઈકનો ભુક્કો બોલી ગયો હતો. મૃતદેહોની ઓળખ કરવા પોલીસે તજવીજ કરતા બંન્ને મૃતક એરપોર્ટમાં કોન્ટ્રાકટ બેઇઝ પર નોકરી કરતા હોવાનું અને ઘરેથી નીકળી હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નાઈટ ડ્યુટી માટે આવતા હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકમાં એકનું નામ હિરેનભાઈ કાંતિભાઈ નિરંજની( ઉ.વ.34) અને બીજા મૃતકનું નામ રાકેશકુમાર સિંઘ(ઉ.વ.51) હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. હિરેનભાઈ સીસીટીવી સિસ્ટમ એન્જિનિયર હતા. જ્યારે ગુડગાંવના રાકેશકુમાર સિંઘ કોલિઅર્સ કંપનીના પ્રોજેકટ મેનેજર હતા.
પોલીસે હિરેનના નાનાભાઈ પ્રકાશભાઈ કાંતિલાલ નિરંજની (ઉ.વ.29, રહે. કુવાડવા રોડ, ડી માર્ટ પાસે, વલ્લભનગર શેરી નં.2, રાજકોટ)ની ફરિયાદ પરથી અકસ્માત સર્જનાર ડમ્પર જીજે 03 - એએક્સ - 8924ના ચાલક ઉપર ગુનો દાખલ કર્યો હતો. ચાલક અકસ્માત સ્થળે ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો. હાલ પોલીસે ચાલકની શોધખોળ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.