અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો: વિંછીયાના થોરીયાળી ચેકપોસ્ટ ખાતે રાખેલા બેરીકેડ તોડી કાર સીધી ડીવાઈડર પર ચડી ગઈ, એરબેગ ખુલ્લી જતા ચાલકનો જીવ બચી ગયો.
વિંછીયા તાલુકાના થોરીયાળી ગામ નજીક આવેલ થોરીયાળી ચેકપોસ્ટ ખાતે વાહનોના ચેકિંગ અર્થે પોલીસ તંત્ર દ્વારા બેરીકેડ ગોઠવવામાં આવ્યા છે. જેના કારણે વાહનોની ગતિ અટકી શકે અને શંકાસ્પદ વાહનોને બેરીકેડની મદદથી પોલીસ થોભાવી શકે અથવા તો અટકાવી શકે. પરંતુ ગત મોડી રાત્રીના બોટાદ સાઈડથી વિંછીયા તરફ પૂર ઝડપે ધસી આવતી કાર નં.GJ-03ML-9617 ના ચાલકે અગમ્ય કારણોસર ચેકપોસ્ટ ખાતે રહેલા બેરીકેડને તોડી કાર સીધી ડીવાઈડર પર ચડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માતમાં કારમાં રહેલી એરબેગ એકાએક ખુલ્લી જતા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાની પણ થઈ ન હતી. આ અકસ્માતના પગલે વિંછીયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ધોરણસરની કાર્યવાહી આરંભી હતી. ઉલ્લેખનીય છે કે, જે જગ્યાએ આ અકસ્માત સર્જાયો હતો ત્યાં અગાઉ પણ અનેકવાર અકસ્માતોના બનાવો બની ચુક્યા છે. છતાં સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા બેકાબુ વાહનચાલકો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી વારંવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.