રાજકોટમાં ઈંડાની લારીએ કેટરર્સના ધંધાર્થીની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા
રાજકોટ શહેરમાં હત્યા, મારામારી, લૂંટ, ચોરી જેવાં ક્રાઇમ સામાન્ય બની રહ્યા છે. પોલીસનો કોઈ ભય જ ન હોય તેમ સામાન્ય વાતમાં પણ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી અસામાજિક તત્વો લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. ત્યારે વધું એક હત્યાનો બનાવ સામે આવતાં રંગીલું શહેર ફરીવાર રક્ત રંજીત બન્યું છે. ઢેબર રોડના ખુણા પર રિધ્ધી સિદ્ધિના નાલા પાસે આવેલ ઈંડાની લારી પર સામાન્ય બોલાચાલીમાં કેટરર્સના ધંધાર્થી 35 વર્ષીય વરીયા પ્રજાપતિ યુવાનને છરીના પડખામાં અને પેટના ભાગે આડેધડ ઘા ઝીંકી ભરતદાન નામના શખ્સે હત્યા નિપજાવતાં ચકચાર મચી ગઇ હતી. યુવાને સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગણતરીની કલાકોમાં આરોપી ભરતદાન ગઢવને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી હતી.
બનાવ અંગે ગોંડલ ચોકડી પાછળ રિધ્ધી સિધ્ધિ સોસાયટીમાં રહેતાં હિનાબેન સંજયભાઈ મારડીયા (ઉ.વ.35) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભરતદાન ગઢવીનું નામ આપતાં ભક્તિનગર પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ વિશેષ પૂછતાછ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓનું મૂળ ગામ ગોંડલનું વાસાવડ ગામ છે. તેઓએ સંજયભાઈ મહેશભાઈ મારડીયા (ઉ.વ.35) સાથે 12 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરેલ હતાં. બાદમાં દંપતી રાજકોટ રહેવા આવતાં રહેલ હતાં અને તેમના પતિ સમય કેટરર્સ નામે કેટરર્સનો ધંધો કરતાં હતાં. તેઓને સંતાનમાં એક પુત્ર-એક પુત્રી છે. ગઈકાલે સાંજના તેમના પતિ ઘરેથી બહાર ગયાં હતાં બાદ તેઓ સવા નવ વાગ્યાની આસપાસ રિધ્ધી-સિધ્ધિના નાલા પાસે આવેલ નટરાજ દુકાનની સામે આવેલ ઈંડાની લારીએ જમવા માટે ગયાં હતાં.
બાદ ત્યાં હાજર ભરદાન ગઢવીને તમે ગઢવી બહું ફાટી ગયાં છો કહેતાં આરોપી ભરતદાન ગઢવી ઉશ્કેરાયો હતો અને ઝઘડો કરી સંજય મારડીયા પર છરીથી હુમલો કરી પડખા અને પેટના ભાગે આડેધડ છરીના ઘા ઝીંકી દિધા હતાં. બાદમાં આરોપી ફરાર થઇ ગયો હતો. તેમજ લોહીલુહાણ હાલતમાં પડેલ તેઓના પતિને હાજર લોકોએ 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાતા ફરજ પરના તબીબોએ તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગે તેઓના પરિવારજનોને જાણ કરાતાં હોસ્પિટલે દોડી ગયાં હતાં અને યુવાન પુત્રનો મૃતદેહ જોઈ પરિવાર ભાંગી પડ્યો હતો અને આક્રંદ મચાવ્યો હતો.
બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં જ આરોપી ભરતદાન ગઢવીને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.