29મીએ યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તારીખ 29 જુલાઈને સોમવારે બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક પહેલી વખત નવા ઇન્ચાર્જ કુલપતિની અધ્યક્ષતામાં મળવાની છે. યુનિવર્સિટીનો નવો એક્ટ અમલમાં આવ્યા બાદ સંભવત બોર્ડ ઓફ મેનેજમેન્ટની આ ત્રીજી બેઠક મળશે. આ બેઠકમાં અગાઉ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને અન્ય બેઠકોમાં ચર્ચાયેલા મુદ્દાઓ મુકવામાં આવશે અને તેની ચર્ચા કરીને તેને બહાલી આપવામાં આવશે. અગાઉ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં યુનિવર્સિટીમાં ભરતી કરેલા 12 જેટલા આસિસ્ટન્ટ પ્રોફેસરોના પ્રોબેશન પિરિયડ વધુ 6 માસ માટે લંબાવવાનો નિર્ણય કર્યો હતો તે મુદ્દો પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મુકવામાં આવશે.
આ ઉપરાંત આ પ્રકરણ માટે 5 સભ્યની કમિટી પણ બનાવવામાં આવી છે તેની ચર્ચા થશે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રના વિઝિટિંગ ડોક્ટર્સના માનદ વેતનમાં વધારાની બાબત, દિવ્યાંગોને ભરતીમાં 4% પ્રતિનિધિત્વની બાબત, યુનિવર્સિટીના એન્જિનિયરો તથા કમ્પ્યૂટર સોફ્ટવેર સંબંધિત કામગીરી સંભાળતા આઉટસોર્સિંગ સ્ટાફના વેતનમાં રહેલી વિસંગતતા નિવારવા બોર્ડ ઓફ મેનેજમેન્ટને ભલામણ કરી હતી તેની ચર્ચા કરાશે. આ ઉપરાંત યુનિવર્સિટીના બાંધકામના કેટલાક મુદ્દા, ભવનોના પ્રવેશ અંગેની બાબતો સહિતના મુદ્દે 29મીએ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં ચર્ચા કરાશે જેમાં આખરી નિર્ણય શું લેવામાં આવે છે તેના પર મીટ મંડાઇ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.