નેત્રંગ તાલુકાના ચંદ્રવાણ ગામ નજીક રીક્ષા પલટી મારતા રીક્ષા ચાલકનું કરૂણ મોત
ચંદ્રવાણ ગામના આધેડ રીક્ષા ચાલક નેત્રંગથી દુધ લઇને બેડા કંપની તરફ જતા હતા ત્યારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા પલટી મારી ગઇ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચંદ્રવાણ ગામ નજીક એક રીક્ષા પલટી મારી જતા રીક્ષા ચાલક ૪૯ વર્ષીય આધેડનું કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના ચંદ્રવાણ ગામના અરવિંદભાઇ અમરસિંગ વસાવા દરરોજ સવારના રીક્ષા લઇને નેત્રંગ ખાતે દુધ લેવા જાય છે,ત્યારબાદ શણકોઇ ગામે દુધ આપીને બેડા કંપની ખાતે છોકરાઓને લેવા જાય છે. આજરોજ તા.૪ થીના રોજ અરવિંદભાઇ સવારના ચાર વાગ્યાના સમયે રીક્ષા લઇને નેત્રંગ દુધ લેવા ગયા હતા. ત્યારબાદ સવારના પાંચેક વાગ્યાના સમય દરમિયાન તેમની રીક્ષા ગામ નજીક પલટી મારી ગઇ હોવાની તેમના ઘરે જાણ થઇ હતી. ત્યારબાદ તેમનો પુત્ર દિવ્યેશકુમાર વસાવા મોટરસાયકલ લઇને સ્થળ ઉપર ગયો હતો. ત્યાં જઇને જોતા અરવિંદભાઇની રીક્ષા પલટી મારી ગયેલ હતી,અને અરવિંદભાઇ રોડની બાજુમાં બેભાન પડેલા હતા,અને તેમના નાક અને કાનમાંથી લોહી નીકળતું હતું. ઇજાગ્રસ્ત અરવિંદભાઇને એમ્બ્યુલન્સમાં નેત્રંગ સરકારી દવાખાને લઇ જવાયા હતા,જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મરણ પામેલ જાહેર કર્યા હતા. રીક્ષા ચાલક અરવિંદભાઇએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા પલટી મારી ગઇ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. ઘટના સંદર્ભે મૃતકના પુત્ર દિવ્યેશકુમાર વસાવાએ નેત્રંગ પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.