એક ખાસ યાદગિરીને તાજી કરવા માટે 90 વર્ષીય ભારતીય મહિલા પહોંચી પાકિસ્તાન - At This Time

એક ખાસ યાદગિરીને તાજી કરવા માટે 90 વર્ષીય ભારતીય મહિલા પહોંચી પાકિસ્તાન


- ભાગલા પહેલા હિંદુ-મુસ્લિમ જેવો કોઈ મુદ્દો નહોતો, આ બધું વિભાજન પછી આવ્યું: રીના વર્માલાહોર, તા. 17 જુલાઈ 2022, રવિવારએવું કહેવાય છે ને કે, જનની અને જન્મભૂમિ તો સ્વર્ગ કરતાં પણ ચડિયાતા હોય છે. દરેક વ્યક્તિની પોતાની માતા અને પોતાનો જન્મ જ્યાં થયો હોય, પોતાનું બાળપણ જ્યાં વિત્યું હોય તે જગ્યા સાથે એક અનેરી લાગણી જોડાયેલી હોય છે. 1947ના ભાગલાએ અનેક લોકોને પોતાની જન્મભૂમિથી અલગ કરી દીધા હતા. જોકે એક 90 વર્ષીય ભારતીય મહિલાએ પાકિસ્તાનમાં આવેલા પોતાના પૂર્વજોના ઘરની મુલાકાત લેવા માટે આકાશ-પાતાળ એક કરી દીધા હતા. રીના છિબ્બર વર્મા નામના તે મહિલા શનિવારે જ્યારે પાકિસ્તાનના રાવલપિંડી ખાતે આવેલા પોતાના પૂર્વજોના ઘરની મુલાકાત માટે વાઘા-અટારી સરહદેથી લાહોરમાં દાખલ થયા ત્યારે તેમની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. લાહોરથી તેઓ રાવલપિંડી ગયા હતા અને ત્યાં પોતાના પૂર્વજોએ બંધાવેલા 'પ્રેમ નિવાસ' ઘરની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમણે પોતાની શાળાની પણ મુલાકાત લીધી હતી અને બાળપણના મિત્રોને પણ મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરીને તેમણે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે તેમનો પરિવાર રાવલપિંડીના દેવી કોલેજ રોડ પર રહેતો હતો. તેઓ મોર્ડન સ્કુલમાં ભણતા હતા અને તેમના 4 ભાઈ-બહેનોએ પણ તે જ શાળામાંથી શિક્ષણ મેળવ્યું હતું. ઉપરાંત તેમના એક ભાઈ અને એક બહેને મોર્ડન સ્કુલ પાસે આવેલી ગાર્ડન કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ભાગલા વખતે તેમની ઉંમર 15 વર્ષની હતી1947ના વર્ષમાં જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યાં તે સમયે રીના વર્માની ઉંમર માત્ર 15 વર્ષની હતી અને તેમનો પરિવાર ભારત આવી ગયો હતો. તેમણે સૌથી પહેલા 1965ના વર્ષમાં પાકિસ્તાનના વિઝા માટે અરજી કરી હતી પરંતુ યુદ્ધના કારણે બંને દેશ વચ્ચે ભારે તણાવ વ્યાપેલો હોવાથી તેમની અરજી નામંજૂર થઈ હતી. હાલ ભારત સ્થિત પાકિસ્તાની ઉચ્ચાયોગે સદ્ભાવના દાખવીને તેમને 3 મહિનાના વિઝા આપ્યા છે. પાકિસ્તાની નાગરિકે મોકલી આપી તસવીરોવર્માએ ગત વર્ષે જ્યારે સોશિયલ મીડિયા પર પોતાના પૂર્વજોના ઘરની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારે સજ્જાદ હૈદર નામના એક પાકિસ્તાની નાગરિકે સોશિયલ મીડિયા પર તેમનો સંપર્ક કર્યો હતો. સજ્જાદે તેમને રાવલપિંડી સ્થિત તેમના પૂર્વજોના ઘરની તસવીરો પણ મોકલી આપી હતી. રીના વર્માએ તાજેતરમાં ફરી એક વખત પાકિસ્તાની વિઝા માટે અરજી કરી હતી જેનો અસ્વીકાર થયો હતો. ત્યારબાદ તેમણે પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારને ટેગ કરીને પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેમના માટે પાકિસ્તાની વિઝાની વ્યવસ્થા થઈ ગઈ હતી. હિંદુ-મુસ્લિમનો મુદ્દો ભાગલા પછી જન્મ્યોઃ વર્મારીના વર્માએ જણાવ્યું કે, તેમના મોટા ભાઈ-બહેનોને અનેક મુસ્લિમ મિત્રો હતા અને તેઓ તેમના ઘરે પણ આવતા હતા. તેમના પિતા એક મુક્ત વિચારો ધરાવતા વ્યક્તિ હતા અને તેમને છોકરા-છોકરીઓ મળે તેના સામે કોઈ વાંધો નહોતો. ભાગલા પહેલા હિંદુ-મુસ્લિમ જેવો કોઈ મુદ્દો નહોતો. આ બધું વિભાજન પછી આવ્યું. ભારતના ભાગલા ચોક્કસપણે એક ખોટી ઘટના હતી પરંતુ એ ભૂલ થઈ ગઈ છે તો હવે બંને દેશની સરકારોએ વિઝા પ્રતિબંધોમાં ઢીલ આપવા સાથે મળીને કામ કરવું જોઈએ. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.