ટીઆરપી અગ્નિકાંડમાં હત્યાનો ગુનો કેમ ન નોંધ્યો?: હાઇકોર્ટનું કડક વલણ - At This Time

ટીઆરપી અગ્નિકાંડમાં હત્યાનો ગુનો કેમ ન નોંધ્યો?: હાઇકોર્ટનું કડક વલણ


રાજકોટ આગકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આગકાંડ મામલે હાઈકોર્ટમા સુઓમોટો કરવામાં આવતી હતી. રાજકોટ આગકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. સુનાવણીમાં મનપાના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી. મનપાએ ગેમિંગ ઝોન ગેરકાયદે હોવા અંગે નોટિસ આપી હતી. ત્યારે હાઈકોર્ટે મનપાની ઝાટકણી કાઢતા કહ્યું કે, મનપા જાણતી હતી કે ગેમિંગ ઝોન ગેરકાયદે છે, તેમ છતાં પગલાં ન લીધા, આગ લાગવાની રાહ જોવાતી હતી. પ્રથમવાર આગ લાગ્યા બાદ પણ કોઈ મજબૂત પગલાં કેમ ન લીધા. તમે જવાબદાર વિભાગના કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા, તો કેમ મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કર્યા નથી. મનપાએ એક વર્ષ પહેલાં ડિમોલિશન માટે નોટિસ આપી હતી. એક વર્ષ સુધી મનપા અને કમિશનરે કેમ ડિમોલિશનની કામગીરી ન કરી. રાજકોટ મનપા કમિશનર સત્તા પર હતા તો ભૂલ કેમ થઈ.
27 લોકોને ભરખી જનાર રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે એટલે કે 6 જૂનના રોજ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હતી. જજ બીરેન વૈષ્ણવ અને જજ દેવેન દેસાઈની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી હતી. અમદાવાદમાં શ્રેય હોસ્પિટલ ફાયર દુર્ઘટના સમયે પીઆઈએલ કરનાર એડવોકેટ અમિત પંચાલ હાઈકોર્ટ રૂમમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાને રજૂ કરતાં એડવોકેટ, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને એડિશનલ એડવોકેટ જનરલ મનીષા શાહ પણ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. ફાયર ઓફિસરો પણ કોર્ટમાં હાજર હતા.
હાઈકોર્ટે સવાલ કર્યો કે નાના 5-6 અધિકારીઓ સામે કાર્યવાહી કરી , કમિશનરોને શા માટે છાવરો છો. શા માટે કમિશનરોને સસ્પેન્ડ નથી કર્યા એ સવાલ કોર્ટે કર્યો છે. હવે 13 જૂનના શું પ્રોગ્રેસ છે તે અંગે સુનાવણી થશે. અરજદાર વકીલ બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું કે, મે સુઓમોટો માટે અપીલ કરી તેની સામે પણ સરકારનાં મુખ્ય વકીલને વાંધો છે. કેમ ઘટનાસ્થળે હાજર સાક્ષીઓ સામે નથી આવી રહ્યા? શું કોઈથી ડરી રહ્યા છે? મારી વિનંતી છે કે સાક્ષીઓ કોર્ટ સમક્ષ આવે. કોર્ટે કહ્યું કે દુર્ઘટના પહેલા જેની ગેરકાયદેસર સ્ટ્રકચર દૂર કરવાની જવાબદારી હતી તે અધિકારીઓ સામે હત્યાની કલમ કેમ ન લગાડવી જોઈએ એ સવાલ પણ કોર્ટે કર્યો છે? સરકાર તરફથી પબ્લીકના પૈસે અધિકારીઓને છાવરવા કેમ ચલાવી લેવાય? રાજકોટ અગ્નિકાંડમાં સાક્ષીઓ કેમ આગળ આવતા ડરે છે?
કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટના વકીલ એસોસિયેશનના પ્રમુખ અને અરજદાર વકીલ બ્રિજેશ ત્રિવેદીએ રજુઆત કરી કે, સુપ્રીમ કોર્ટ અને અન્ય કોર્ટોના હુકમો પણ તંત્ર ભૂલી જાય તે ના ચાલે. આ સિસ્ટમ આખી નબળી છે. ઘટના માટે તમામ જવાબદાર છે. રાજ્યમાં અનેક બિલ્ડીંગ બને કોઈ એનઓસી, બીયુ, ફાયર નિયમો જોવાનો સમય પણ નથી. આવી દુર્ઘટના બાદ તંત્ર જાગે તે અધિકારીઓની સિસ્ટમ કેવી? વર્ષોથી સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટના ફાયર સેફ્ટી પર હુકમ છે. છતાં અમલવારી નહીં કરી જેથી હત્યાનો ચાર્જ લગાવી પગલાં લેવા જોઈએ. અનેક ઘટનાઓ બને છતાં બોધપાઠ તંત્ર લેતું નથી. આ વારંવાર થતી ઘટનાઓમાં 27 ના જીવ ગયા છે. સરકાર મૃત્યુ સામે લાખોનું વળતર આપી દુ:ખ બતાવે છે. પગલાં લેવામાં સરકાર નિષ્ફળ છે. આ દુર્ઘટના નહીં ક્રાઇમ છે. હત્યારાઓને માફ ના કરી શકાય.સાથે જ રાજકોટ મનપા કમિશનર વ્યક્તિગત રીતે જવાબદાર હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. હાઈકોર્ટે કહ્યું કે, રાજકોટ મનપા કમિશનરને વિગતવાર રિપોર્ટ કોર્ટમાં સબમિટ કરવા આદેશ અપાયો છે.
હાઇકોર્ટ આજે આરએમસી ઉપર બરાબરની ગરજી હતી. અદાલતે કહ્યું હતું કે, ગેમ ઝોન શરૂ થયું તે વખતના મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કેમ નથી કરાયા? તમે રમતો રમો છો, બીજા ખાતાઓના કર્મચારીઓ ઉપર ઢોળી રહ્યા છો. 27 લોકોમાં નિર્દોષ બાળકોના જીવ ગયા છે. કમિશનર સામે આઈપીસીની કલમ કેમ નહિ? એસઆઈટીએ ફાઇનલ રિપોર્ટ રજૂ કરવા બે મહિનાનો સમય માંગ્યો હતો પણ સરકારે 28 જૂન સુધીનો સમય આપ્યો છે. કોર્ટ સમક્ષ મોક ડ્રિલના ડેટા મુકાયા છે. હવે વધુ સુનાવણી 13 જૂને હાથ ધરાશે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.