અટીકા ફાટક પાસે કાળમુખા ટ્રકની ઠોકરે 35 વર્ષીય યુવકનું કમકમાટીભર્યું મોત
રાજકોટમાં ટ્રક ચાલકો અવિરત લોકોના જીવ હણી રહ્યાં છે, ત્યારે ગઈ રાતે પણ અટીકા ફાટક પાસે કાળમુખા ટ્રકની ઠોકરે 35 વર્ષીય યુવકનું કમકમાટીભર્યું ઘટનાસ્થળે જ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, હનુમાન મઢી પાસે શિવપરા વિસ્તારમાં રહેતો રામકુમાર રામજીભાઈ નિશાદ (ઉ.વ.35) ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરેથી અટીકા ફાટક પાસે પહોંચ્યો હતો. જ્યાંથી તે ચાલીને જતો હતો ત્યારે રાતના નવેક વાગ્યાની આસપાસ પાછળથી પુરપાટ ઝડપે આવેલા ટ્રકના ચાલકે યુવાનને હડફેટે લઈ કચડી નાંખ્યો હતો.
યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો કાફલો દોડી આવ્યો હતો અને 108 ને જાણ કરતાં દોડી આવેલ ઈએમટીએ યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો.
પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. વધુમાં મળેલ વિગત મુજબ, મૃતક મૂળ ઉત્તરપ્રદેશનો વતની હતો અને અહીં તે એકલો ઓરડી ભાડે રાખી રહેતો અને કલર કામની મજૂરી કરતો હતો. રાજકોટ રહેતાં મૃતકના મામા દોડી આવ્યાં હતાં અને મૃતદેહને વતન લઈ જવા તજવીજ આદરી હતી. મૃતક ત્રણ ભાઈમાં નાનો હતો. બનાવથી પરપ્રાંતીય પરીવારમાં કલ્પાંત છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
